ગાંધીનગરઃ રાજ્ય સરકાર ઉડાન યોજના અંતર્ગત આંતર શહેરોમાં હવાઈ સેવા શરૂ કરી રહી છે. રાજ્ય સરકારની વાયબિલિટી ગ્રાન્ટ ફંડિગ યોજના હેઠળ અમદાવાદ અને ભુજ વચ્ચેની એર કનેક્ટિવિટી સર્વિસ 1 જૂનથી શરૂ થાય તેવી શક્યતા છે. ગુજરાત વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં, સરકારે લેખિતમાં જવાબ આપતા જણાવ્યું હતું કે, 31 જાન્યુઆરી, 2022 સુધીમાં રાજ્ય સરકારની VGF યોજના હેઠળ છ રૂટ પર એર કનેક્ટિવિટી સ્થાપિત કરવામાં આવી છે. આ રુટ રાજકોટ-પોરબંદર, અમદાવાદ-કંડલા, સુરત-અમદાવાદ, સુરત-રાજકોટ, સુરત-અમરેલી અને સુરત-ભાવનગરનો સમાવેશ થાય છે. રાજ્યના નાગરિક ઉડ્ડયન મંત્રીએ લેખિતમાં જવાબ આપતા ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકારની UDAN યોજના હેઠળ બે રૂટ અમદાવાદ-પોરબંદર અને અમદાવાદ-કંડલા શરૂ કરવામાં આવ્યા છે.
ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકારે ધારાસભ્યના પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ઉડાન યોજના અન્વયે સાબરમતી રીવરફ્રન્ટથી શેત્રુંજય ડેમને જોડતી હવાઈ સેવા 2019માં શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી. પરંતુ આ સેવા હજી સુધી શરૂ કરવામાં આવી નથી. તે ઉપરાંત જામનગરથી દિલ્હી, ગોવા અને હિંડનને જોડતી હવાઈ સેવા 2019માં શરૂ થવાની હતી જે હજી સુધી શરૂ કરાઈ નથી. આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સુરત સુધીની હવાઈ સેવા પણ શરૂ થઈ નથી. જ્યારે કેશોદથી મુંબઈને જોડતી હવાઈ સેવા પણ હજી શરૂ કરાઈ નથી. અમદાવાદના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શૈખે અમદાવાદ અને કેવડિયા કોલોની વચ્ચેની સીપ્લેનની સુવિધા ક્યારે શરૂ થશે તેના વિશે જાણકારી માગી હતી. જવાબમાં રાજ્ય સરકારે કહ્યું હતું કે, સર્વિસ 10 એપ્રિલ, 2021થી બંધ છે અને ઓપરેટરનો ખર્ચ પ્રતિ ટિકિટ 1500 રૂપિયાથી વધીને 4500 રૂપિયા થઈ ગયો છે. સરકારે કહ્યું હતું કે, સર્વિસ શરૂ કરવા માટે ટેન્ડરિંગની પ્રક્રિયા ચાલી રહી છે.
કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાના સવાલનો જવાબ આપતા, રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, રાજકોટ એરપોર્ટ પર ફેસ-1નું 62 ટકા કામ પૂરું થયું છે અને ફેસ-1નું તમામ કામ ઓગસ્ટ-2022માં પૂરું થવાની શક્યતા છે. રાજ્ય સરકારે એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) સાથે રાજકોટમાં એરપોર્ટ ઉભુ કરવા માટે જાન્યુઆરી, 2019માં એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.