દિલ્હી:રાજધાની દિલ્હીમાં વાયુ ગુણવતા મંગળવારે વધુ ખરાબ થઈ ગઈ તથા એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) ‘ગંભીર’ શ્રેણીમાં રહ્યો.મંગળવારે સાંજે 4 વાગ્યે દિલ્હીનો એકંદર હવા ગુણવત્તા સૂચકાંક 424 નોંધાયો હતો, જે 26 ડિસેમ્બર, 2021 (459) પછીનો સૌથી ખરાબ હતો.
સોમવારે રાત્રે 8 વાગ્યે, AQI 361 (ખૂબ જ ખરાબ) હતો. રાષ્ટ્રીય રાજધાનીમાં લઘુત્તમ તાપમાન 15.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતા એક ડિગ્રી ઓછું હતું.મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં બે ડિગ્રી વધુ હતું.સાંજે 5.30 કલાકે શહેરમાં સાપેક્ષ ભેજનું પ્રમાણ 62 ટકા નોંધાયું હતું.
ભારતીય હવામાન વિભાગના ડેટા અનુસાર, શહેરમાં સાપેક્ષ ભેજનું પ્રમાણ સવારે 8.30 વાગ્યે 94 ટકા નોંધાયું હતું. હવામાન વિભાગે આગાહી કરી છે કે દિવસ દરમિયાન આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે. મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે.