અમદાવાદઃ ગુજરાતના ઘણાબધા લોકો અમેરિકા, કેનેડા સહિતના દેશોમાં વસવાટ કરીને રોજગારી મેળવી રહ્યા છે. એનઆરઆઈ ગણાતા ગુજરાતીઓ ડિસેમ્બર-જાન્યુઆરીમાં ગુજરાતની મુલાકાતે આવતા હોય છે. ડિસેમ્બરમાં ઠંડી વધુ હોવાથી અમેરિકા-કેનેડાથી ગુજરાત આવતા લોકોની સંખ્યા વધુ હોય છે. જેમાં અમદાવાદમાં મોટાપાયે પ્રમુખસ્વામી મહોત્સવનું 14મી ડિસેમ્બરથી આયોજન કરાયું હોવાથી વિદેશમાં વસવાટ કરતા મોટી સંખ્યામાં હરિભક્તો પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. સામાન્ય દિવસોમાં અમેરિકા અને કેનેડાથી ભારતના રૂટની ટિકિટો 800 થી 900 ડોલરના ભાવે મળી જતી હતી, તેના ભાવ 1400 ડોલર સુધી પહોંચી ગયા છે. . જોકે હાલ એર ઇન્ડિયા, યુનાઈટેડ એર લાઇન, એર ફ્રાન્સ, કતાર એરવેઝ, ઇતીહાદ, અમિરેટ્સ જેવી એર લાઇન્સ દ્વારા હવાઈ ભાડામાં ભારે વધારો કરી માત્ર વન વેના 3થી 4 હજાર ડોલર વસૂલી રહી હોવાથી ગુજરાત આવવા માગતા હજારો ગુજરાતીઓ મુશ્કેલીમાં મુકાયા હોવાનું જાણવા મળ્યુ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ વિદેશથી વતનમાં ધાર્મિક કે લગ્ન તથા સામાજિક પ્રસંગોએ આવનારા પ્રવાસીઓ એર બુકિંગ માટે એર લાઇનનો સંપર્ક કરે ત્યારે પહેલાં તો બુકિંગ ફુલ હોવાનું જણાવાય છે. ત્યારબાદ ભાવ વધી ગયા હોવાનું જણાવી ત્રણથી ચાર ગણું વધુ ભાડું આપો તો ટિકિટ આપવાની તૈયારી દર્શાવે છે. પરિણામે વતન આવવા માગતા હજારો ગુજરાતીઓ આખી બચત વાપરી આવવાની ફરજ પડી રહી છે. હાલ લગ્નની સિઝન અને અમદાવાદ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રમુખસ્વામી મહોત્સવ છે, જેના કારણે અમેરિકા-કેનેડાથી આવનારા ગુજરાતીઓનો ધસારો વધુ છે, જેનો ગેરલાભ એર લાઇન્સ ઉઠાવી રહી છે. જોકે થોડી સમજદારી વાપરી અમદાવાદને બદલે દિલ્હી, મુંબઈ કે ચેન્નાઇની ટિકિટ લેવાથી ઓછા ખર્ચે ગુજરાત પહોંચી શકાય છે. જો કે અમદાવાદ પહોંચતા બે-ત્રણ દિવસ થાય છે. માત્ર અમદાવાદનો ભાવ સૌથી વધુ છે. એટલે એનઆરઆઈ ગુજરાતીઓને ટિકિટના વધુ ભાવ ચૂકવવાની ફરજ પડી રહી છે.