અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ સોનિયાબેન ગોકાણી આજે શનિવારે નિવૃત્ત થતાં હોવાથી તેમના સન્માનમાં હાઇકોર્ટમાં ફૂલ કોર્ટ ફેરવેલનું આયોજન કરાયું હતું. બીજી તરફ રાષ્ટ્રપતિએ ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ તરીકે એ.જે.દેસાઇની નિમણૂક કરી છે. હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ એ.જે. દેસાઇ સોમવારે ચાર્જ સંભાળશે.
ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ એ.જે.દેસાઇના પિતાશ્રીએ પણ 1983થી 1989 સુધી હાઇકોર્ટના જસ્ટિસ તરીકે સાવાઓ આપી હતી. જસ્ટિસ એ જે દેસાઈની 21 નવેમ્બર 2011ના રોજ હાઇકોર્ટના એડિશનલ જજ તરીકે નિમણૂક થઇ હતી. જસ્ટિસ એ.જે. દેસાઇ મૂળ વડોદરાના છે. તેઓ અમદાવામાં સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી અર્થશાસ્ત્રના વિષયમાં ગ્રેજયુએટ થયેલા છે. વર્ષ 1985માં સર એલ.એ.શાહ લો કોલેજમાંથી એલએલબીની ડિગ્રી મેળવી હતી. 1995 માં જસ્ટિસ એ.જે.દેસાઇની હાઇકોર્ટમાં આસિસ્ટન્ટ ગર્વમેન્ટ પ્લીડર તરીકે નિમણૂક થઇ હતી. તેમજ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે પણ નિમણૂક કરાઇ હતી.
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સોનિયા ગોકાણીની નિવૃત્તિ થતા તેમના સ્થાને મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂંક ના થાય ત્યાં સુધી કાર્યકારી ન્યાયાધિશ તરીકે એ. જે. દેસાઈની નિમણુંક કરાઈ છે. જસ્ટિસ એ.જે.દેસાઇ તા.26 મી ફેબ્રુઆરી એટલે કે, સોમવારથી કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ તરીકેનો કાર્યભાર સંભાળશે. ગુજરાત હાઇકોર્ટના નવા કાયમી ચીફ જસ્ટિસની નિમણૂંક થાય નહીં ત્યાં સુધી તેઓ એક્ટીંગ ચીફ જસ્ટિસ તરીકે કાર્યરત રહેશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાત હાઇકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ સોનિયા ગોકાણી તા.25મી ફેબ્રુઆરીને શનિવારના રોજ નિવૃત્ત થઇ રહ્યા હોઇ તેમના માનમાં શુક્રવારે ગુજરાત હાઇકોર્ટમાં ફુલ કોર્ટ ફેરવેલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સોનિયા ગોકાણીને સન્માન સાથે નિવૃત્તિ વિદાય આપવામાં આવી હતી. બીજીબાજુ, ભારતના રાષ્ટ્રપતિ દ્વારા હાઇકોર્ટના જસ્ટિસ એ.જે.દેસાઇની કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે સત્તાવાર નિમણૂંક કરવામાં આવી છે.