અમદાવાદઃ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (જીસીસીઆઈ)ના નવા પ્રમુખ તરીકે અજય પટેલે કાર્યભાર સંભાળ્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ચેમ્બરના પ્રમુખ તરીકે અજય પટેલ તથા અન્ય હોદ્દેદારોએ શપથગ્રહણ કર્યા હતા. જીસીસીઆઈના હોદ્દેદારો માટેની ચૂંટણી સમરસ થઈ છે. તમામ હોદ્દેદારો બિનહરીફ ચૂંટાતા પ્રમુખ તરીકે અજય પટેલે કાર્યભાર સંભાળ્યો છે. GCCIના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સંદીપ એન્જિનિયર અને વાઇસ પ્રેસિડેન્ટ તરીકે મિહિર પટેલે પદ સંભાળ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગકારોને સાથ સહકારની આપવાની ખાતરી આપી હતી. તેમણે કહ્યું કે ઈન્ડસ્ટ્રીઝ ક્વોલિટી પ્રોડક્ટ બનાવે તો સરકાર તેમને પૂરતી મદદ કરશે. ઉદ્યોગકારોને કોઇ તકલીફ નહીં પડવા દઇએ. જીસીસીઆઈના પ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યા બાદ અજય પટેલે જણાવ્યું હતું કે GCCI ગુજરાતમાં સ્ટાર્ટઅપ ઇકો સીસ્ટમને વેગ આપવા અગામી વર્ષમાં પરીણામલક્ષી કામગીરી કરશે.
જીસીસીઆઈના પ્રમુખ અજય પટેલે કહ્યું કે, વડાપ્રધાન મોદી અને અમિત શાહનું સપનું છે કે દેશની ઇકોનોમી ફાઇવ ટ્રીલીયન બનાવવી, જેમાં GCCI સક્રિય ભૂમિકા ભજવશે. GCCI સરકાર અને નાના મોટા ઉદ્યોગો તેમજ વેપારી વચ્ચે સેતુની ભૂમિકા ભજવશે. વર્ષ 2024માં વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં GCCI સક્રિયપણ ભાગ લેશે. આ સમિટ અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ બને તે માટે તમામ સહકાર પૂરો પાડશે. તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાતના ઉદ્યોગો અને વેપારીઓ રાષ્ટ્રના વિકાસમાં મોટો ફાળો ભજવે તેવો રોલ ભજવવા ચેમ્બર પ્રયત્ન કરશે. લઘુ અને નાના ઉદ્યોગોને જરૂરી માર્ગદર્શન આપી તેમના વિકાસને વધુ ઝડપી બનાવવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા અજય પટેલ GCCIના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કાર્યરત હતા. GCCIના બંધારણ મુજબ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પ્રમુખ બને છે. ત્યારે અજય પટેલ GCCIના પ્રમુખ બનતા સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સંદીપ એન્જિનિયરની પસંદગી કરાઈ છે.