Site icon Revoi.in

રશિયા-યુક્રેન યુદ્ધ રોકવા માટે ભારતના પ્રયાસો શરૂ, અજીત ડોભાલ રશિયન NSAને મળ્યા

Social Share

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન તાજેતરમાં જ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને આ યુદ્ધમાં શાંતિમંત્રણા માટે ભારત સહિત 3 દેશ ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ ભારત દ્વારા રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ સ્થપાય તેવા પ્રવાસો શરૂ કરી દેવામાં આવ્યાં છે. તેમજ ભારતના એનએસજી અજીત ડોભાલ રશિયાના પ્રવાસે ગયા છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સેન્ટ પીટર્સબર્ગમાં તેમના રશિયન સમકક્ષ સેર્ગેઈ શોઇગુને મળ્યા હતા. બે ટોચના અધિકારીઓની બેઠકમાં યુક્રેન સંઘર્ષનો ઉકેલ શોધવામાં ભારતની સંભવિત ભૂમિકા અને ‘પરસ્પર હિતો’ના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ડોભાલ-શોઇગુ બેઠક બુધવારે સાંજે BRICS (બ્રાઝિલ-રશિયા-ભારત-ચીન-દક્ષિણ આફ્રિકા) દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની કોન્ફરન્સ દરમિયાન થઈ હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 23 ઓગસ્ટના રોજ કિવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સાથેની વાતચીતને લઈને બંને NSA વચ્ચે પણ વાતચીત થઈ હતી. ડોભાલ અને શોઇગુ વચ્ચેની બેઠક પર, રશિયામાં ભારતીય દૂતાવાસે કહ્યું કે, બંને પક્ષોએ દ્વિપક્ષીય સહયોગમાં પ્રગતિની સમીક્ષા કરી અને પરસ્પર હિતના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી.

અજીત ડોભાલની રશિયાની મુલાકાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુક્રેનની મુલાકાતના અઢી સપ્તાહ બાદ થઈ રહી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથેની મુલાકાતમાં વડાપ્રધાન મોદીએ રશિયા-યુક્રેન યુદ્ધને તાત્કાલિક સમાપ્ત કરવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે ભારત આ ક્ષેત્રમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા સક્રિય ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. તાજેતરમાં, એક કાર્યક્રમ દરમિયાન, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ તેમના નિવેદનમાં કહ્યું હતું કે તેઓ રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે ભારત, ચીન અને બ્રાઝિલની મધ્યસ્થીનો સ્વીકાર કરી શકે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયા-યુક્રેન યુદ્ધ અંગે પણ કહ્યું હતું કે, ભારત સંઘર્ષની શરૂઆતથી જ શાંતિની તરફેણમાં છે અને તેઓ આ સંકટના શાંતિપૂર્ણ ઉકેલ માટે વ્યક્તિગત રીતે યોગદાન આપવા માંગે છે. શનિવારે ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ઝેલેન્સકી સાથેની વાતચીત બાદ કહ્યું હતું કે ભારત અને ચીન સંઘર્ષનો ઉકેલ શોધવામાં ભૂમિકા ભજવી શકે છે.