Site icon Revoi.in

કેન્દ્રીય કેબિનેટમાં એનસીપીને સ્થાન ન મળતા અજિત પવાર નારાજ !

Social Share

મુંબઈઃ નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની મંત્રી પરિષદમાં મહારાષ્ટ્રના છ સાંસદોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને ચાર અને સહયોગી શિવસેના અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (આઠવલે)ને એક-એકને મંત્રીપદ મળ્યો હતો. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની આગેવાની હેઠળના નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી) એ પ્રફુલ પટેલને સ્વતંત્ર હવાલો સાથે રાજ્ય પ્રધાનની ભાજપની ઓફરને નકારી કાઢી હતી અને તેમને કેબિનેટ પ્રધાન બનાવવાનો આગ્રહ કર્યો હતો. કેન્દ્રીય કેબિનેટમાં એનસીપીને સ્થાન ન મળતા અજિત પવાર નારાજ હોવાનું ચર્ચાય રહ્યું છે.

મોદી સરકારના બીજા કાર્યકાળમાં (2019-24) મહારાષ્ટ્રમાંથી ભાજપ અને તેના સહયોગીઓમાંથી આઠ મંત્રીઓ હતા. રવિવારે આ સંખ્યા ઘટીને છ થઈ ગઈ છે. ભાજપના સાંસદો નીતિન ગડકરી અને પીયૂષ ગોયલને નવી સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે યથાવત રાખવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના બીજેપીના એકમાત્ર મહિલા સાંસદ રક્ષા ખડસે અને પ્રથમ વખત સાંસદ મુરલીધર મોહોલે રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા છે.

ભાજપના સાથી આરપીઆઈ (એ) ના વડા રામદાસ આઠવલેને સ્વતંત્ર હવાલા સાથે રાજ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાના પ્રતાપરાવ જાધવે પણ સ્વતંત્ર હવાલા સાથે રાજ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા.

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, “અમે એનસીપીને સ્વતંત્ર હવાલો સાથે મંત્રી પદની ઓફર કરી હતી પરંતુ તેઓ ઈચ્છતા હતા કે પ્રફુલ પટેલના નામને અંતિમ મંજૂરી આપવામાં આવે. પટેલના અનુભવને કારણે NCP માને છે કે તેમને સ્વતંત્ર હવાલા સાથે રાજ્યકક્ષાના મંત્રી બનાવી શકાય નહીં.

તેમણે કહ્યું કે, ગઠબંધન સરકારમાં એક ફોર્મ્યુલા તૈયાર કરવી પડે છે, જેને કોઈ એક પક્ષ માટે તોડી ન શકાય. ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું, “હું પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું કે જ્યારે પણ કેબિનેટ વિસ્તરણ થશે, ત્યારે સરકાર એનસીપી પર વિચાર કરશે. અમે માત્ર એનસીપીને સામેલ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓએ કેબિનેટ દરજ્જા પર આગ્રહ રાખ્યો હતો.” અજિત પવારે દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે એનસીપી રાહ જોવા માટે તૈયાર છે પરંતુ કેબિનેટ મંત્રીનું પદ ઇચ્છે છે.