Site icon Revoi.in

કચ્છની વર્ષો જુની હસ્તકલા અજરખ’ને મળ્યો GI ટેગ, નવી ઓળખ મળતા હસ્ત કારીગરોને લાભ થશે

Social Share

ભૂજઃ કચ્છ પ્રદેશની હસ્તકલા અજરખ’ને GI ટેગ મળતા હવે વૈશ્વિક સ્તરે ઝળકેલી અજરખની કળાની ખ્યાતિ ચોમેર પ્રસરશે. 500 વર્ષ જૂની અજરખ કલાને જ્યોગ્રોફિક્લ ઈન્ડિકેશન મળતા હવે કચ્છના કલાકારો હરખાયા છે. છેલ્લાં 10 વર્ષોથી કલાકારો દ્વારા આ ટેગ મેળવવા પ્રયાસો કરાઈ રહ્યા હતા. ત્યારે આખરે હવે કચ્છી હસ્તકલાને નવી ઓળખ મળી છે. અમદાવાદમાં જીઆઈ રજિસ્ટ્રાર ઉન્નત પંડિતના હસ્તે અજરખપુર હસ્તકલા વિકાસ સંગઠનનું સન્માન કરાયુ હતું.

વર્ષો જૂની કચ્છની અજરખ બ્લોક પ્રિન્ટ હસ્તકળા આજે વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ થઈ છે. અજરખ પ્રિન્ટ, કચ્છની વિશેષતા, બારમી સદીમાં જેસલમેરમાં ઉદ્ભવ્યું હોવાનું માનવામાં આવે છે. અજરખ કળા મુખ્યત્વે કચ્છના અજરખપુર, ધમડકા અને ખાવડા એમ ત્રણ ગામોમાં વિકસેલી. આ સમુદાય લગભગ 400 વર્ષ પહેલાં કચ્છમાં આવ્યો હતો અને પ્રથમ રાજા રાવ ભારમલજીના આમંત્રણથી ભુજના ધમડકા ગામમાં સ્થાયી થયો હતો. આજે રાજસ્થાનના બાડમેર અને ગુજરાતના કચ્છમાં ધમડકા અને ઢોલદામાં અજરખ છપાય છે. જેમાં કચ્છની અજરખની ગુણવત્તા સર્વોચ્ચ ગણાય છે. પરંપરાગત રીતે, પશુપાલકો, રબારીઓ, માલધારીઓ અને આહિરો જેવા કૃષિ સમુદાયો માટે અજરખ કાપડ અને સ્ટોલ બનાવવામાં આવ્યા હતા. જે તેમના રોજીંદા વસ્ત્રો હતા અને તેમના જીવન રક્ષક તરીકે પણ કામ કરતા હતા. ઉપરાંત, મુસ્લિમ સમુદાય તહેવાર અથવા ઈદના પ્રસંગે અને અન્ય વિશેષ પ્રસંગો માટે વરરાજાને ભેટ તરીકે અજરખ આપતો હતો. હાલમાં કચ્છના 800 થી વધુ કારીગરો આ હસ્તકલાના કામ સાથે સંકળાયેલા છે.

અજરખ રંગો ફળો, ફૂલો, વૃક્ષો અને અન્ય મસાલાઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. જે કુદરતી અને સંપૂર્ણપણે પર્યાવરણને અનુકૂળ છે. અજરખ ડિઝાઇનમાં ભૌમિતિક આકાર પણ બનાવવામાં આવે છે. આ ડિઝાઇન બ્લોક પ્રિન્ટિંગ દ્વારા બનાવવામાં આવી છે. સૌથી રસપ્રદ વાત એ છે કે અજરખ આર્ટમાં કાપડની બંને બાજુએ ડિઝાઇન બનાવવામાં આવે છે. આ પ્રિન્ટમાં મુખ્યત્વે સુતરાઉ, વૂલન અને સિલ્ક કાપડ પર વાદળી, લાલ અને કાળા રંગોમાં પરંપરાગત ભૌમિતિક ડિઝાઇન દર્શાવવામાં આવે છે. ઘણા વર્ષોથી અજરખ પ્રિન્ટ સ્થાનિક બજાર પૂરતી મર્યાદિત હતી. પરંતુ સમય સાથે તેની માંગ વધતી ગઈ અને હવે તેને જીઆઈ ટેગ મળવાથી ઈન્ટરનેશનલ માર્કેટ મળશે.