અખાત્રીજ એટલે વણજોયું મુહૂર્ત, આજે લગ્નો સહિત શુભ પ્રસંગો યોજાશે, સોનાની પણ ધૂમ ખરીદી થશે
અમદાવાદઃ આજે અખાત્રીજ છે. શુભ પ્રસંગો માટે અખાત્રીજના દિનને વણજોયેલું મૂહુર્ત માનવામાં આવે છે. એટલે આજે શુક્રવારે અનેક લગ્નો યોજાશે, ઘરની વાસ્તુ સહિતના શુભ પ્રસંગો પણ યોજાશે. ઉપરાંત સોના-ચાંદીના ઘરેણા તેમજ નવા વાહનો ખરીદવા માટે શુભ દિન માનવામાં આવતો હોવાથી આજે સોના-ચાંદીના ઘરેણા અને નવા વાહનોની પણ ધૂમ ખરીદી થશે.
કર્મકાંડી પંડિતોના જણાવ્યા મુજબ અખાત્રીજને વણજોયું મુહૂર્ત ગણવામાં આવે છે. અમદાવાદ શહેરમાં 4 હજારથી વધુ લગ્નો યોજાશે. તેમજ વાસ્તુપૂજન, યજ્ઞોપવિત જેવા શુભકાર્યો થશે. અખાત્રીજે સમગ્ર દિવસ દરમિયાન સવારે 9.13થી 10.22 મૂહુર્ત સર્વ શ્રેષ્ટ મહુર્ત છે અને સાંજે 5.15 થી 6.11 વાગ્યા સુધી શ્રેષ્ઠ મહુર્તનો સમાવેશ થાય છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના તમામ મોટા પાર્ટી પ્લોટોનું ચાર મહિના પહેલા જ એડવાન્સમાં બુકિંગ થઈ ગયા હતા. મે મહિના બાદ જૂનમાં એક પણ શુભ મહુર્ત નથી, જયારે જુલાઈમાં માત્ર 5 જ દિવસ શુભ મહુર્ત છે. 17 જુલાઈથી ચાતુર્માસનો પ્રારંભ થશે. આ સમયગાળા દરમિયાન કોઈ માંગલિક કાર્યો કરવામાં આવતા નથી. નવા વર્ષ વિક્રમ સંવત 2081માં દેવઉઠી એકાદશી પછી માંગલિક પ્રસંગો શરૂ થશે.
અખાત્રીજ વણજોયું મુહૂર્ત હોવાથી લોકો નવી પ્રોપર્ટી, વાહન તેમજ સોનાની ખરીદી કરતાં હોય છે. આ વખતે અખાત્રીજને દિવસે શહેરમાં અંદાજે 30થી 35 કિલો સોનાનું વેચાણ થવાની શક્યતા છે. ઘણા લોકોએ સોનાની ખરીદી માટે એડવાન્સ બુકિંગ પણ કરાવ્યું છે. વેપારીઓ કહેવા મુજબ ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં રૂ.11 હજારનો વધારો થયો છે. આ વખતે સોનાની લગડી, લાઈટ વેઈટ જ્વેલરીનો ટ્રેન્ડ છે. અખાત્રીજ પછી લગ્નનું મુહૂર્ત નહીં હોવાથી ઘણા સમય પહેલાથી લગ્નો માટેની ખરીદી શરૂ થઈ હતી.