Site icon Revoi.in

અખાત્રીજ: અક્ષય તૃતીયા પર સતયુગ અને ત્રેતાયુગની શરૂઆત થઇ હતી

Social Share

હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાનું વિશેષ મહત્વ છે. તેને અખાતીજ પણ કહેવામાં આવે છે. શાસ્ત્રો મુજબ આ દિવસે મુહૂર્ત જોયા વગર કોઈ પણ શુભ કાર્ય કરી શકાય છે. આ દિવસને લગ્ન માટે પણ શુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ દિવસે કરેલા કાર્ય સફળ થાય છે અને તેમાં કોઈ વિધ્ન આવતા નથી. આ દિવસે દેવી લક્ષ્મી, ભગવાન વિષ્ણુ અને કુબેર દેવની પૂજા કરવામાં આવે છે. સાથે જ સોનું ખરીદવા માટે આ તારીખ સૌથી શુભ માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે અખાત્રીજનો તહેવાર 10 મેના રોજ ઉજવવામાં આવશે. સાથે જ આ દિવસે રવિ યોગનું નિર્માણ પણ થઇ રહ્યું છે. જેના કારણે આ દિવસનું મહત્વ પણ વધુ વધી ગયું છે. આવો જાણીએ ખરીદીનો શુભ સમય અને પૂજા વિધિ.

અખાત્રીજની પૂજા વિધિ

અખાત્રીજના દિવસે સવારે વહેલા ઊઠીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો. સાથે જ ગંગાજળને હાથમાં લઈને વ્રતનો સંકલ્પ લો. આ પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિ કે તસવીરને પૂજાની ચોકી પર સ્થાપિત કરો. આ પછી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની મૂર્તિ પર ચોખા અર્પિત કરો. ત્યારબાદ ફૂલ કે સફેદ ગુલાબ, ધૂપ-અગરબત્તી વગેરેથી તેમની પૂજા કરો. ઉપરાંત જવ, ઘઉં, કાકડી, ચણાની દાળ વગેરેને નૈવેદ્યના સ્વરૂપ તરીકે અર્પણ કરો.

અખાત્રીજનું મહત્વ

વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ત્રીજને અખાત્રીજ કહેવાય છે. જેને અક્ષય તૃતિયા પણ કહેવાય છે. કારણ કે આ પવિત્ર દિવસે જે જે દાન-પુણ્ય કરીએ, જે જે જપ-તપ કરીએ તે તે અક્ષય બને છે. તેથી આ ત્રીજને અક્ષય તૃતિયા પણ કહેવાય છે. પુરાણમાં લખ્યું છે કે આ દિવસે મધ્યાહન સમયે પિતૃ તર્પણ અને પીંડદાન કરવાથી તેમજ દાન-પુણ્ય કરવાથી પિતૃઓને મોક્ષ પ્રદાન થાય છે. આ દિવસે ગંગાસ્નાન કરવાથી તેમજ શ્રીહરિ વિષ્ણુ અને લક્ષ્મીજીની એકસાથે પૂજા કરવાથી વિશેષ ફળ પ્રદાન થાય છે. આ દિવસે આપણામાં રહેલા તમામ દૂર્ગુણો પ્રભુને સોંપીને તેની પાસેથી સદગુણોની અનમોલભેટ અને વરદાન માંગવાની પરંપરા છે. ભગવાન ઋષભદેવે તપના પારણા આ દિવસે કર્યા હતા તેથી જૈનધર્મમાં વર્ષીતપના પારણા અખાત્રીજે કરાય છે.