લખનૌઃ AIMIM નેતા અસરુદ્દીન ઓવૈસી અને સમાજવાદી પાર્ટી (SP)ના અધ્યક્ષ અખિલેશ યાદવ પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝીણાના માર્ગ પર ચાલીને ફરી એકવાર ભારતને ખંડિત કરવા માગતા હોવાનો આક્ષેપ ઉત્તરપ્રદેશના ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્રદેવ સિંહે કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે, સપાના શાસનમાં દલિતો અને પછાત લોકોનું અપમાન થયું છે. આ પ્રસંગે તેમણે જિલ્લાની ચૂંટણી તૈયારીઓની પણ સમીક્ષા કરી હતી. ભ્રષ્ટાચાર વિના અખિલેશ સરકારમાં કોઈ નિમણૂંક થઈ નથી. ભારતના મુસ્લિમો અને હિન્દુઓ ઉત્તર પ્રદેશમાં વિકાસ ઈચ્છે છે. હવે અખિલેશના પ્રણયમાં કોઈ ફસાશે નહીં. આ લોકોએ ઘણું શોષણ કર્યું છે.
તેમણે કહ્યું કે ભાજપના 4.5 વર્ષના શાસનમાં લોકોએ ખૂબ જ રાહત અનુભવી છે. અગાઉની સરકારોના શાસનમાં રોજ બોમ્બ પડતા હતા. આજે મોટા ગુંડાઓ અને માફિયાઓ જેલમાં છે. આવા ગુનેગારો જેલમાંથી બહાર નિકળતા પણ ડરી રહ્યાં છે. આજે ઉત્તર પ્રદેશમાં શાંતિ છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે કહ્યું કે ઉત્તર પ્રદેશની આગામી વિધાનસભા ચૂંટણી માટે ભાજપએ 350 પ્લસ સીટો જીતવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. ફરી ભાજપની સરકાર બન્યા બાદ ગરીબો અને વંચિતોને પાકાં મકાન, શૌચાલય, આયુષ્માન કાર્ડ વગેરે આપવાનું પણ તેમણે ઉત્તરપ્રદેશની જનતાને વચન આપ્યું છે.