યૂપી ભાજપમાં હાલ અંદરો-અંદર મોટા ડખા ચાલી રહ્યા છે ત્યારે.. સપાના વડા અખિલેશ યાદવે પોતાના સોશિયલ મીડિયા દ્વારા પોસ્ટ કરીને લખ્યું, ‘મોનસૂન ઓફરઃ 100 લાવો, સરકાર બનાવો!’, એટલે કે ભાજપમાંથી 100 ધારાસભ્યો લાવો અને રાજ્યમાં સપાની સરકાર બનાવો. જ્યારે અખિલેશ યાદવનું આ નિવેદન આવ્યું છે તે સમય ઘણો ખાસ છે. જોકે સરકાર પડે તેવી શક્યતા હાલ દૂર-દૂર સુધી જણાતી નથી.
મહત્વપૂર્ણ છે કે યુપીમાં બીજેપીની અંદરની રાજકીય નિવેદનબાજી અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ગત ચૂંટણીમાં હાર બાદ ઘણા મોટા નેતાઓએ નારાજગી વ્યક્ત કરી છે. આ સાથે જ રાજકીય બેઠકોએ છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી અટકળોને બળ પુરુ પાડ્યું છે. આ દરમિયાન સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ભાજપ અને તેના સાથી પક્ષોને શાનદાર ઓફર આપીને સરકાર માટે નવો પડકાર ઉભો કર્યો છે.
ભાજપમાં જનતા વિશે વિચારનાર કોઇ નથી
અખિલેશ યાદવે આ પહેલા પોતાની પ્રતિક્રિયા આપતાં લખ્યું હતું કે, ‘ભાજપની ખુરશી માટેની લડાઈની ગરમીમાં ઉત્તર પ્રદેશમાં શાસન અને પ્રશાસન બેક બર્નર પર મૂકવામાં આવ્યું છે. ભાંગફોડની રાજનીતિનું જે કામ ભાજપ પહેલા અન્ય પક્ષોમાં કરતી હતી, હવે તે જ કામ પોતાની પાર્ટીમાં કરી રહી છે, જેના કારણે ભાજપ આંતરિક વિખવાદના દલદલમાં ધકેલાઈ રહ્યું છે. જનતા વિશે વિચારનાર ભાજપમાં કોઇ નથી.
નોંધનીય છે કે અખિલેશ યાદવની આ પ્રતિક્રિયા એવા સમયે આવી છે જ્યારે ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય તેમના દિલ્હી પ્રવાસ પર હતા. આ દરમિયાન તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા હતા. આ બેઠક બાદ ઘણા અર્થ કાઢવામાં આવ્યા હતા. સૂત્રોનું માનીએ તો રાજ્યના સંગઠનમાં ટૂંક સમયમાં ફેરફાર થઈ શકે છે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ પણ બુધવારે પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. સૂત્રોનું માનીએ તો તેમણે યુપીમાં હારની નૈતિક જવાબદારી લીધી છે. તમને જણાવી દઈએ કે યુપીની હાર બાદથી મંથનનો સમય ચાલી રહ્યો છે.