નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ગુરુવારે ઈન્ડી ગઠબંધનની સરકાર બનાવવાની આશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, લોકશાહીમાં જ્યારે ગણતરી થાય છે ત્યારે આશા અને અપેક્ષાનો ક્યારેય અંત આવતો નથી. ઈન્ડી ગઠબંધન બહુમતીથી દૂર છે, કારણ કે તેના ખાતામાં 234 બેઠકો આવી છે. લોકસભામાં બહુમતી માટે 272 બેઠકો જરૂરી છે. જો કે હજુ પણ સરકાર બનાવવાની આશા છોડી નથી.
તાજેતરમાં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. જેના તા. 4 જૂનના રોજ પરિણામ જાહેર કર્યાં હતા. એનડીએને 293 અને ભાજપે 240 સીટો જીતી છે. આ પછી પણ રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે, એનડીએનું પુનરાગમન મુશ્કેલ બની શકે છે. એનડીએમાં સામેલ ટીડીપી અને જેડીયુના કારણે આવી વસ્તુઓ થઈ રહી છે, કારણ કે આ બંને પાર્ટીઓનો બેકફાયરિંગનો ઈતિહાસ છે. હાલમાં TDP પાસે 16 અને JDU પાસે 12 બેઠકો છે. ઈન્ડિ એલાયન્સના નેતાઓ બંને પક્ષોને પોતાની તરફ લાવવાની વાત કરી રહ્યા છે.
અખિલેશ યાદવે અગ્નિવીર યોજના વિશે પણ વાત કરી અને કહ્યું કે, સમાજવાદી પાર્ટી આ સિસ્ટમને ક્યારેય સ્વીકારી શકે નહીં. તેમણે કહ્યું, “આ ખુશીની વાત છે કે આ વખતે વિપક્ષ મજબૂત હશે. આ વખતે વિપક્ષનો અવાજ દબાવવામાં નહીં આવે. ઘણા મહત્વના પ્રશ્નો છે જે જનતા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. સૌથી મોટો પ્રશ્ન અગ્નિવીર નોકરીઓનો છે. સમાજવાદી પાર્ટી અગ્નિવીર સિસ્ટમને ક્યારેય સમર્થન નહીં આપે.