સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને યુપીના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવે સરકાર પર નિશાન સાધતા એક ટ્વિટ કર્યું છે. અખિલેશ યાદવે પોતાના ટ્વિટમાં સરકાર પર વાકપ્રહાર કરતા લખ્યુ છે કે સરકાર મારાથી ડરી ગઈ છે અને મને એરપોર્ટ પર રોકાઈ રહ્યો છે. આ ટ્વિટની સાથે જ સમાજવાદી પાર્ટીના ફેસબુક પેઈજની સાથે વીડિયો પણ શેયર કર્યો છે. જેમાં અખિલેશ યાદવ કર્મચારીને કહેતા સંભળાઈ રહ્યા છે કે હાથ લગાડશો નહીં. આ પહેલીવાર નથી કે અખિલેશ યાદવ સરકારને નિશાન બનાવી રહ્યા હોય. આ પહેલા પણ અખિલેશ યાદવે સોશયલ મીડિયા પર ભાજપ પર વાકપ્રહારો કર્યા છે.
અખિલેશ યાદવ યુપીના પાટનગર લખનૌથી પ્રયાગરાજ જવા માટે રવાના થઈ રહ્યા હતા. પરંતુ લખનૌ એરપોર્ટ પર તેમને રોકવામાં આવ્યા હતા. મહત્વપૂર્ણ છે કે અખિલેશ યાદવ અલ્હાબાદ યુનિવર્સિટીના સ્ટૂડન્ટ યૂનિયનના એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે જઈ રહ્યા હતા. જો કે અખિલેશ યાદવને એરપોર્ટ પર રોકવાનું કારણ તાત્કાલિક બહાર આવ્યું નથી.
અખિલેશ યાદવે ટ્વિટ કરીને લખ્યું છે કે એક વિદ્યાર્થી નેતાના શપથગ્રહણ સમારંભથી સરકાર આટલી ડરેલી છે કે મને લખનૌ એરપોર્ટ પર રોકવામાં આવે છે. તેની સાથે જ સમાજવાદી પાર્ટીના ફેસબુક પેઈજ પર પણ એક વીડિયો શેયર કર્યો છે. જેમાં એક કર્મચારી દ્વારા અખિલેશ યાદવને રોકવાની કોશિશ થઈ રહી છે. તેના સંદર્ભે અખિલેશ યાદવે નારાજગી વ્યક્ત કરતા કહ્યુ છે કે મને હાથ લગાવો નહીં.