- કોરોના વધતા તંત્ર એલર્ટ મોડમાં
- નાગપુર બાદ અકોલામાં લોકડાઉન
- જીવન જરૂરી વસ્તુઓ માટે અપાઈ છૂટ
નાગપુર: દેશમાં ફરી કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે.વધતા જતા કોરોનાના કેસોને જોતા આજે મહારાષ્ટ્રના અકોલામાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. અકોલામાં આજે રાત્રે આઠ વાગ્યાથી સંપૂર્ણ લોકડાઉનની ઘોષણા કરવામાં આવી છે. આ લોકડાઉન સોમવાર સુધી એટલે કે 15 માર્ચ સવારે આઠ વાગ્યા સુધી રહેશે. જો કે, જીવન જરૂરી વસ્તુઓ માટે છૂટ આપવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં કોરોના નિયંત્રણ માટે કડક નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે.પુણેમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું નથી,પરંતુ નાઇટ કર્ફ્યું લગાવવામાં આવ્યું છે. પુણેમાં રાતે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ રહેશે. એટલું જ નહીં 31 માર્ચ સુધી શાળાઓ અને કોલેજો બંધ રહેશે. આ ઉપરાંત લગ્નમાં 50 થી વધુ લોકો સામેલ થઇ શકશે નહીં.
આ ઉપરાંત મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે કહ્યું છે કે, પરભાણી જિલ્લામાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને આજે રાત્રે 12 વાગ્યાથી સોમવાર સવારે છ વાગ્યા સુધી લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણયને સહકાર આપવા અમે પરભાણી જિલ્લા અને આજુબાજુના વિસ્તારોમાં રહેતા લોકોને વિનંતી કરીએ છીએ.
દેશમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દરરોજ 23,000 થી વધુ કોરોના કેસ નોંધાયા છે. છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના રોજિંદા કેસોમાં આ સૌથી મોટો આંકડો છે. મહારાષ્ટ્ર અને કેરળ સહિત છ રાજ્યોમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે.
-દેવાંશી