Site icon Revoi.in

અક્ષયકુમારની ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ને ગુજરાતમાં પણ કરમુક્તિ અપાઈ, CMએ કરી જાહેરાત

Social Share

ગાંધીનગરઃ અક્ષયકુમારની ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ 3 જૂનનાં રોજ બધા જ સિનેમાઘરોમાં રિલીઝ થઇ ચુકી છે. ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં રિલીઝ થઇ છે. આ ફિલ્મને ભાજપ શાસિત ઉત્તર પ્રદેશમાં કરમુક્તિ આપ્યા બાદ ગુજરાતમાં પણ કરમુક્તિ આપવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ફિલ્મને કરમુક્તિ આપવાનો નિર્ણય કર્યો હતો. થોડા દિવસ પહેલા ગુજરાતી ફિલ્મ ‘નાયિકા દેવી’ને પણ કરમુક્તિ આપવામાં આવી હતી. એટલે કે ગુજરાતમાં એક જ મહિનામાં બે ફિલ્મોને કરમુક્ત કરવામાં આવી છે.

ગુજરાત સરકાર દ્વારા હિન્દી ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજની રિલીઝ બાદ કરમુક્તિ આપવાની જાહેરાત કરી હતી. મુખ્ય મંત્રી દ્વારા ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ને કરમુક્તિ કર્યાની જાહેરાત ટ્વીટ કરીને કરી હતી. જેમા લખ્યું છે કે, ભારતભૂમિના વીર સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની શૌર્યગાથાને રજૂ કરી દેશના સાહસપૂર્ણ ઈતિહાસને ઉજાગર કરતી હિન્દી ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ ને ગુજરાતમાં કરમુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે.

આ ઉપરાંત ગુજરાતી ચલચિત્ર નાયિકા દેવીને રાજ્યમાં કરમુક્તિનો લાભ મળવા પાત્ર થશે. સિનેમાગૃહો દ્વારા આ ફિલ્મ પ્રદર્શિત કરવા બદલ ચૂકવાયેલા ટેક્સનું વળતર તેમને રાજ્ય સરકાર દ્વારા પરત આપવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતી ચલચિત્ર નાયિકા દેવીને રાજ્ય સરકારની ફિલ્મ પ્રોત્સાહન નીતિના મળવાપાત્ર થતા લાભો આપવાની જાહેરાત કરી છે. આ મોટા બજેટની આ ફિલ્મ પહેલાં દિવસે સારું પ્રદર્શન કરી શકી ન હતી. આ ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચાઓ થઈ હતી, બીજી તરફ મેકર્સે પ્રમોશનમાં કોઈ કસર છોડી ન હતી. ઓપનિંગ ડે પર ફિલ્મની શરૂઆત ધીમી હતી, પરંતુ 10.50 થી 11.50 કરોડની કમાણી ઓછી નથી. આ ફિલ્મ 300 કરોડના બજેટમાં બની છે. આ ફિલ્મ સાથે કમલ હાસનની ફિલ્મ ‘વિક્રમ’ પણ રિલીઝ થઈ છે.