ભાવનગરઃ જિલ્લામાં રોજગારી આપતો એક માત્ર અલંગ શિપિંગ ઉદ્યોગ આવેલો છે. છેલ્લા કેટલાક મહિનાથી અલંગ શિપ બ્રેકિંગ ઉદ્યોગમાં મંદીની મોકાણ સર્જાઈ છે. અલંગના શીપ બ્રેકિંગ ઉદ્યોગે ભૂતકાળમાં પણ અનેક વખત મંદીનો સામનો કર્યો છે. હવે જહાજ ભાંગવાનો ઉદ્યોગ ખુદ ભંગાઇ રહ્યો છે. અલંગના શીપ બ્રેકિંગ વ્યવસાયમાં ચાલુ નાણાકીય વર્ષમાં ફેલાયેલી સંકટની પરિસ્થિતિ સતત આગળ ધપી રહી છે. જુલાઇ મહિના દરમિયાન ફક્ત 3 જહાજ અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભાંગવા માટે બીચ થયા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ અલંગના શીપ બ્રેકિંગ ઉદ્યોગને ફરીવાર મંદીનું ગ્રહણ લાગ્યુ છે. શીપ બ્રેકિંગ યાર્ડમાં આવતા જહાજોની સંખ્યા પણ ઘટી ગઈ છે. ઉપરાંત ઓછા વજનના જહાજો ભંગાવવા માટે આવી રહ્યા છે.બીજીબાજુ શિપ બ્રકિંગમાં પહેલા જેટલું વળતર કે નફો મળતો ન હોવાથી શિપ બ્રેકરોમાં પણ રસ ઓછો થતો જાય છે. એક સમયે અલંગમાં એક જહાજનું વજન 24,000 ટનનું હતુ, પરંતુ જુલાઇ મહિનામાં જે ત્રણ જહાજ લાગ્યા હતા તેનું કુલ વજન 24,198 મેટ્રિક ટન છે. અલંગમાં સરેરાશ 25થી 30 જહાજો બીચ થતા હતા તેની સંખ્યા માત્ર ત્રણ ઉપર આવી જતા ઉદ્યોગકારોમાં પણ ચિંતાનું મોજું પ્રસરી રહ્યું છે.
શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસો.ના સૂત્રોએ જણાવ્યું હતુ કે, સ્ક્રેપના ઘટેલા ભાવ, ડોલરના સતત વધી રહેલા ભાવ, ઇન્ટરનેશનલ માર્કેટમાં જહાજની ઉપલબ્ધીમાં ઘટાડો સહિતના પરિબળો શિપબ્રેકિંગ વ્યવસાય માટે નકારાત્મક વાતાવરણ ઊભુ કરી રહ્યા છે. હજુ આગામી બે મહિના સુધી આ પરિસ્થિતિ યથાવત્ રહે તેવું છે. સામાન્ય દિવસોની સરખામણીએ અલંગમાં ચહલ પહલ પણ ઘટી રહી છે, હાલ જૂના જહાજ જેમની પાસે છે તેઓ માલનું ઉત્પાદન કરી રહ્યા છે, પરંતુ એક-બે માસ પછી સાવ સન્નાટો છવાઇ જાય તેવી પરિસ્થિતિઓનું અત્યારથી નિર્માણ થઇ રહ્યું છે. અલંગમાં જહાજની આવક ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન સતત ઘટતી જાય છે. જુલાઇ મહિનો તો સૌથી ખરાબ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં જહાજ ખૂબ જ ઓછા ઉપલબ્ધ છે. અલંગમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના તમામ નિયમોનું પાલન થઇ રહ્યું હોવા છતા ગ્રીન જહાજ ઓછા આવે છે.