1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ડોલર સામે રૂપિયો ગગડતા અલંગનો શીપ બ્રેકિંગ ઉદ્યોગ મંદીમાં સપડાયો, જહાંજોની સંખ્યામાં ઘટાડો
ડોલર સામે રૂપિયો ગગડતા અલંગનો શીપ બ્રેકિંગ ઉદ્યોગ મંદીમાં સપડાયો, જહાંજોની સંખ્યામાં ઘટાડો

ડોલર સામે રૂપિયો ગગડતા અલંગનો શીપ બ્રેકિંગ ઉદ્યોગ મંદીમાં સપડાયો, જહાંજોની સંખ્યામાં ઘટાડો

0
Social Share

ભાવનગરઃ જિલ્લાનો અલંગ શીપ બ્રેકિંગ ઉદ્યોગ ફરીવાર મંદીમાં સપડાયો છે. ડોલર સામે રૂપિયો ગગડતા, તેમજ ઇઝરાયેલ-ઇરાન વચ્ચે યુધ્ધના ભણકારા, યુક્રેન-રશિયા યુધ્ધના છમકલા, પેલેસ્ટાઇન-ઇઝરાયેલ વચ્ચેની તંગ પરિસ્થિતિ, રાતા સમુદ્રમાં હુથી આતંકવાદીઓ દ્વારા માલવાહક જહાજો પર કરવામાં આવી રહેલા હુમલા, અપહરણ, કૃત્રિમ પનામા કેનાલમાં પાણીની સમસ્યા સર્જાતા માલવાહક જહાજોના પરિવહન પ્રભાવિત થતાં શીપ બ્રેકિંગ ઉદ્યોગ પર તેની માઠી અસર પડી છે. અને આગામી મહિનાઓમાં જહાંજો ભંગાવવા માટે આવે એમ લાગતું નથી. આથી અલંગ સાથે જોડાયેલા રિસાયક્લિંગના કારખાનાઓને પણ મંદીનો સામનો કરવો પડશે.

ભાવનગરના અલંગ શીપ બ્રેકિંગ ઉદ્યોગે ભૂતકાળમાં પણ મંદીના અનેક થપાટો ખાધી છે. અનેકવિધ પ્રશ્નોથી ઘેરાયેલા અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં આગામી બે મહિનામાં જહાજોનો સળવળાટ જોવા મળે તેવા સંજોગો નિર્માણ પામી રહ્યા હતા ત્યાં ભારતીય ચલણ રૂપિયાનું અમેરિકન ડોલર સામે સતત અવમુલ્યન અને વધતા જતા ભાવને કારણે ઉદ્યોગકારોની મુંઝવણમાં વધારો થયો છે. આમ અલંગ માટે એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ સર્જાઇ છે. એક ડોલર સામે ભારતીય રૂપિયાનું મુલ્ય બુધવારે સર્વોચ્ચ સપાટી 83.75એ પહોંચ્યુ હતુ અને દિવસના અંતે 83.63ની આજુબાજુ ટ્રેડ કરી રહ્યુ હતુ. ઇઝરાયેલ-ઇરાન વચ્ચે યુધ્ધના ભણકારા, યુક્રેન-રશિયા યુધ્ધના છમકલા, પેલેસ્ટાઇન-ઇઝરાયેલ વચ્ચેની તંગ પરિસ્થિતિ, રાતા સમુદ્રમાં હુથી આતંકવાદીઓ દ્વારા માલવાહક જહાજો પર કરવામાં આવી રહેલા હુમલા, અપહરણ, કૃત્રિમ પનામા કેનાલમાં પાણીની સમસ્યા સર્જાતા માલવાહક જહાજોના પરિવહન પ્રભાવિત થઇ રહ્યા છે. આ તમામ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓ સીધી રીતે ડોલર પર અસર પડી રહી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, અલંગ શીપ બ્રેકિંગ ઉદ્યોગને લાંબા સમયથી એક પછી એક પ્રશ્નોનો સામનો કરવો પડે છે. એકદમ નિરાશાજનક પરિસ્થિતિ વચ્ચે જૂન મહિનામાં અલંગ ખાતે જહાજ આવે તેવો સળવળાટ કેશ બાયરો સમક્ષ જોવા મળી રહ્યો હતો. પરંતુ ડોલરની અનિશ્ચિતતાએ ઉદ્યોગકારોને વધુ એક વખત થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવા પર મજબૂર કરી દીધા છે. સ્થાનિક સ્ક્રેપ માર્કેટ પણ શિપ બ્રેકિંગ ઉદ્યોગને પરસેવો કરાવી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે શક્યત: તમામ સહાયતા શિપ રીસાયકલિંગ ઉદ્યોગને કરી હોવા છતા આંતરરાષ્ટ્રીય પરિબળો આ ઉદ્યોગની ગાડી પાટે ચડવા દેતી નથી અને એક પછી એક વિઘ્ન આવે રાખે છે. અનેક પ્રશ્નોથી ઘેરાયેલા અલંગ યાર્ડ માટે 1 સાંધો ત્યાં 13 તૂટે જેવી સ્થિતિ સર્જાઈ છે. જો કે, આંતરરાષ્ટ્રીય શિપિંગ જાયન્ટ એમએસસી દ્વારા તેઓના જૂના 45 જહાજો આ વર્ષ દરમિયાન ભંગાણાર્થે વેચવા માટે મોકલવાની યોજના છે. અને તેના માટે દસ્તાવેજીકરણ, સંભવિત જહાજોની યાદી સહિતની હિલચાલ કેશ બાયરોમાં પણ ચાલી રહી છે. પણ ડોલર સામે રૂપિયો ગગડતા અને હાલની વૈશ્વિક સ્થિતિને લીધે વધુ રાહ જોવી પડશે. (File photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code