ભાવનગરઃ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડની શરૂઆત 1983માં થઈ હતી. અને, ત્યારથી અત્યાર સુધી શિપ બ્રેકિંગ ઉદ્યોગે અનેક તડકા છાયડાનો સામનો કરતો આવ્યું છે. વર્ષ 2021માં અલંગમાં આવતા જહાજોનો પ્રવાહ અગાઉના વર્ષોની સરખામણીએ બંધ હતો, પરંતુ વિક્રમ સંવત 2078 અલંગ માટે જળહળતું રહેવાની સંભાવના છે. અને, નવેમ્બર માસમાં 22 જહાજો અલંગના દરિયાકાંઠે ભંગાણ અર્થે આવી પહોંચશે.
સૂત્રોના જણાવ્યા મુજબ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે વર્ષ 2021 માં જાન્યુઆરીમાં 28, ફેબ્રુઆરી 12, માર્ચ 10, એપ્રિલ 16, મે 19, જૂન 25, જુલાઈ 15, ઓગસ્ટ 16, સપ્ટેમ્બર માં 13, ઓકટોબરમાં 21 જહાજ ભાંગવા માટે આવ્યા હતા. અને, નવેમ્બર માસના પ્રથમ સપ્તાહમાં 22 જહાજ અલંગમાં આવવા માટે કતારબધ્ધ થયા છે. અને ત્રીજા સપ્તાહમાં સંખ્યા હજુ વધારો પણ થઈ શકે છે.
શિપ બ્રેકિંગ યાર્ડના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અલંગમાં શિપ બ્રેકિંગ માટેના જહાજોનો પ્રવાહ હવે વધવા લાગશે, અગાઉ પાકિસ્તાન અને બાંગ્લાદેશના શિપ બ્રેકરો ભારતના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડના શિપ બ્રેકરો કરતા વધુ ભાવ આપી જહાજો આંતરરાષ્ટ્રીય બજારમાંથી ખરીદી રહ્યા હતા, પરંતુ નવેમ્બર માસથી અલંગમાં પણ જહાજોનો પ્રવાહ વધવાની શક્યતા છે. બીજી તરફ અલંગની આનુસંગિક રી-રોલિંગ મિલ વ્યવસાયમાં પણ સળવળાટ છે. તેથી જહાજમાંથી નીકળતા સ્ક્રેપ, મેટલના ભાવ પણ અગાઉની સરખામણીએ સુધર્યા છે. જેને લઇને હાલમાં અલંગમાં તેજીનો સળવળાટ જોવા મળી રહ્યો છે. શિપ બ્રેકિંગમાંથી 98 ટકા લોખંડ અને મેટલ નીકળે છે. અને તેના ઉપયોગ માટેની ઈન્ડસ્ટ્રીઝમાં માંગ વધી રહી છે. બીજી તરફ સરકારી પ્રોજેક્ટોને બાંધકામ ઉદ્યોગમાં પણ હવે ગતિ પ્રદાન થઇ રહી છે. તેથી રી – રોલીંગ મીલોના તૈયાર માલની ખપત પણ સારી રીતે થઈ રહી છે. (file photo)