ડોલરનું મૂલ્ય વધતા અને સ્ક્રેપના ભાવમાં ઘટાડો થતાં અલંગનો શીપ બ્રેકિંગ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો
ભાવનગરઃ જિલ્લામાં રોજગારી અને આર્થિક બાબતો ક્ષેત્રે મહત્વપૂર્ણ ગણાતા અલંગના શિપબ્રેકિંગ ઉદ્યોગને ફરી મંદીનું ગ્રહણ નડી રહ્યું છે. અલંગના ઉદ્યોગકારોના કહેવા મુજબ વધતા જતા ડોલરના મુલ્ય, ઘટતા જતા સ્ક્રેપના ભાવ, ઘટતી જતી સ્ક્રેપની માંગ, આંતરરાષ્ટ્રીય બજારમાં જહાજોની ઓછી ઉપલબ્ધિ સહિતના અનેક કારણોને લીધે ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. શિપબ્રેકિંગમાં અગાઉની સરખામણીએ 50 ટકા ઉત્પાદન પણ ઘટી ગયુ છે.
અલંગના શિપ બ્રકિંગના ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ અલંગનો શિપ બ્રેકિંગ ઉદ્યોગ અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. પડોશી દેશો બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાંથી નિકાસ અંગે કોઇ પાબંદી નહીં હોવાથી સ્થાનિક સ્ક્રેપના ભાવ વધુ છે, અને તેના કારણે આ બંને દેશોના શિપબ્રેકરો આંતરરાષ્ટ્રીય બજારમાંથી વધુ ભાવ આપી અને નફાકારકતા વાળા જહાજો ખરીદી રહ્યા છે. તેની સામે ભારત-અલંગના શિપબ્રેકરોને પડોશી દેશો દ્વારા જે ભાવ ઓફર કરાય રહ્યા છે તે પરવડી શકે તેમ નથી તેથી જહાજોની આવકમાં પણ ઘટાડો થઈ રહ્યો છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાંથી તૈયાર સ્ટીલ પર 15 ટકા અને પેલેટ પર 55 ટકા એક્સપોર્ટ ડ્યુટી નાંખવામાં આવતા વિદેશમાં મોકલવામાં આવતો માલ ભારતની સ્થાનિક બજારમાં ઉપલબ્ધ બનવા લાગ્યો અને પુરવઠો વધી જતા માંગમાં ઘટાડો થયો છે. બીજી તરફ સ્ક્રેપના ભાવ 10થી 12 રૂપિયા પ્રતિ કિલો ઘટી ગયા છે. ડોલરનો ભાવ 78.08 રૂપિયા છે, અને અનિશ્ચિતતા પ્રવર્તિ રહી છે, તેની અસર અલંગ પર વર્તાઇ રહી છે. શિપબ્રેકિંગનો વ્યવસાય ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. વધતા જતા ડોલરના મુલ્ય, 10થી 12હજા પ્રતિ ટન સ્ક્રેપના ભાગ ગગડી જવા, જહાજમાંથી નિકળતા સ્ક્રેપની ડિમાન્ડમાં પણ ઘટાડો સહિતની તમામ બાબતોને કારણે શિપબ્રેકિંગને ભારે અસર પહોંચી રહી છે. હજુ સુધરવાના કોઇ એંધાણ વર્તાતા નથી.