- 3 દર્દીઓની ટ્રાવેલ્સ હિસ્ટ્રી સામે આવી
- શહેરમાં એક્ટિવ કેસનો આંકડો 18 ઉપર પહોંચ્યો
- આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું
અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ ફરી એકવાર વધી રહ્યાં છે. દરમિયાન અમદાવાદ શહેરમાં કોરોનાના વધારે છ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. છ પૈકી 3 દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે. બીજી તરફ કોવિડ-19 વધારે ન પ્રસરે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા કવાયત શરુ કરવામાં આવી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરમાં ચાર પુરુષ અને બે મહિલા મળીને કુલ છ દર્દીઓના કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 18 ઉપર પહોંચી છે. નવા નોંધાયેલા છ દર્દીઓ પૈકી એક દર્દીની સિંગાપોર પ્રવાસની હિસ્ટ્રી સામે આવી છે. આ દર્દી સિંગાપોરનો પ્રસા કરીને પરત ફર્યાનું જાણવા મળે છે. જ્યારે અન્ય બે દર્દીઓએ પુણેનો પ્રવાસ કર્યાનું જાણવા મળે છે. રાજ્યમાં 24 કલાક દરમિયાન 9 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આમ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 32 ઉપર પહોંચી છે. અમદાવાદ શહેરમાં નોંધાયેલા છ પોઝિટિવ કેસ નવરંગપુરા, સરખેજ અને નારણપુરા વિસ્તારમાં નોંધાયાં છે. આ દર્દીઓને હાલ હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યાનું જાણવા મળે છે.
અમદાવાદ શહેરમાં કોવિડના કેસમાં ફરીથી વધારો થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને કોવિડના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે રૂપરેખા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે અને ટેસ્ટીંગ વધારવાની દિશામાં કામગીરી શરુ કરવામાં આવી છે.