Site icon Revoi.in

ગુજરાતના ચાર ગામોમાં દારૂબંધી ઉઠાવી લેવાશે, જાણો કેમ?

Social Share

ગાંધીનગર:   ગુજરાતના દક્ષિણ છેડે દાદરા અને નગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશને અડીને આવેલા ચાર ગામડાઓ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે દીવના કેન્દ્રશાસિત પ્રદેશની નજીકન આવેલ એક ગામડાનો કેટલોક વિસ્તાર કેન્દ્ર શાસિત પ્રદેશમાં સમાવવામાં આવશે. કહેવાય છે, કે ઘણા સમયથી ગ્રામજનોની પણ માગ હતી અને આ ગામડાંઓ કેન્દ્ર પ્રદેશ દાદરાનગર હવેલી સાથે સંકળાયેલી હતી તેના લીધે ગુજરાતના ચાર ગામડાંને કેન્દ્ર શાસિત પ્રદેશમાં ભેળવી દેવાશે. તેથી આ ગામોમાં દારૂબંધી ઊઠી જશે.

સૂત્રોના જણાવ્યા મુજબ દાદરા અને નગર હવેલી નજીક આવેલા ચાર ગામો હાલ ગુજરાતમાં હોવાથી  આ ચારેય ગામોમાં દારૂબંધીનો કડક અમલ કરવામાં આવે છે. હવે આ ચારેય ગામોને દાદરા-નગર હવેલીમાં ભેળવી દેવાશે. આ નિર્ણયની એક મોટી અસર એ થશે કે, અત્યાર સુધી દારુબંધી ધરાવતા ગુજરાતનો ભાગ રહેલા આ વિસ્તારોમાં દારૂ બિન્દાસ્તપણે ઉપલબ્ધ થશે. આ પગલાથી દારૂ અને વીકેન્ડ ટુરીઝમને પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે, જોકે પોતાની સરહદમાં દારુબંધીના પોતાના નિર્ણયને ચાલુ રાખવા ગુજરાત દ્રઢતા સાથે વળગીને તેનું પાલન કરશે.

દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ચાર ગામો જે ટૂંક સમયમાં પડોશી કેન્દ્ર શાસિત પ્રદેશનો ભાગ બનવાની સંભાવના છે તેમાં મેઘવાલ, નગર, રાયમલ અને મધુબન છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલ  ઘોઘલા ગામનો એક વિસ્તાર દીવના કેન્દ્ર શાસિત પ્રદેશને સોંપવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વલસાડના ચાર ગામોને દાદરા અને નગર હવેલીમાં અને ગુજરાતના ઘોઘલા ગામનો એક વિસ્તાર દીવના યુટીમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગોવામાં 28 જાન્યુઆરીએ યોજાનારી પશ્ચિમી પરિષદની સ્થાયી સમિતિની બેઠકમાં નિર્ણયને ઔપચારિક બહાલી આપવામાં આવે તેવી શક્યતા છે. મેઘવાલ ગામ સંપૂર્ણપણે કેન્દ્રશાસિત પ્રદેશથી ઘેરાયેલું છે જ્યારે અન્ય ત્રણ ગામો મધુબન ડેમ જળાશય અને દાદરા અને નગર હવેલી વિસ્તારની વચ્ચે આવે છે. ચોમાસામાં આ ગામોનો મોટાભાગનો વિસ્તારો પાણીમાં ડૂબી જાય છે અને તેમનો એકમાત્ર પ્રવેશ કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી જ રહે છે. ગુજરાતના આ ચાર ગામોને કેન્દ્રશાસિત પ્રદેશમાં ભેળવી દેવાની માંગણી અને સૂચન લાંબા સમયથી પડતર હતું. જે ગામડાઓમાં પ્રવાસન પ્રવૃત્તિઓ અને રોજગારને વેગ આપશે.