દિલ્હી : ભારત આ દિવસોમાં આકરી ગરમીનો સામનો કરી રહ્યું છે. દેશના અનેક ભાગોમાં હીટવેવ પ્રવર્તી રહી છે. હવે હવામાન વિભાગે જણાવ્યું છે કે યુપી, બિહાર, તમિલનાડુ, મધ્યપ્રદેશ, ઝારખંડ, વિદર્ભ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ગરમ પવનોનો પ્રકોપ વધશે. બિહારમાં હીટવેવને લઈને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ચાર દિવસ સુધી ઓડિશા, વિદર્ભના કેટલાક વિસ્તારોમાં જોરદાર ગરમ પવનો ફૂંકાશે. આ સાથે પશ્ચિમ બંગાળ, ઝારખંડમાં ગરમીનો પ્રકોપ આગામી ત્રણ દિવસ સુધી વધુ રહેશે. દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશ, યનમ, પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર અને પૂર્વ મધ્ય પ્રદેશમાં આગામી બે દિવસ ગરમીની લહેર રહેશે. જ્યારે તેલંગાણા, તમિલનાડુ, પશ્ચિમ મધ્યપ્રદેશમાં આગામી 24 કલાક સુધી ભારે ગરમી રહેશે.
ગરમીને જોતા બિહારના ઘણા જિલ્લાઓમાં ધોરણ 12 સુધીની શાળાઓ 24 જૂન સુધી બંધ કરી દેવામાં આવી છે. બિહારમાં હીટવેવે છેલ્લા 11 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. અગાઉ 2012માં 19 દિવસ સુધી સતત હીટવેવ રહી હતી. આ વખતે 20 દિવસથી હીટવેવ ચાલી રહી છે. તેવી જ રીતે ઝારખંડમાં 17 જૂન સુધી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. ગોવા, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશમાં પણ કાળઝાળ ગરમીને જોતા ઉનાળુ વેકેશન લંબાવવામાં આવ્યું છે.
ચક્રવાતી તોફાન બિપરજોયની અસરને કારણે રાજસ્થાનના દક્ષિણ પશ્ચિમ અને દક્ષિણપૂર્વમાં ભારે વરસાદની સંભાવના છે. બીજી તરફ ઉત્તર પૂર્વ રાજસ્થાનમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. સોમવાર અને મંગળવારે પશ્ચિમ મધ્ય પ્રદેશ અને દક્ષિણ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વરસાદની અપેક્ષા છે. આજે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે. ઉત્તર પૂર્વના રાજ્યોમાં આગામી કેટલાક દિવસો સુધી ભારે વરસાદની સંભાવના છે.