ઊંચા પર્વતો, રણ, ગાઢ જંગલો અને રણ ખાડીમાં બીએસએફના જવાનોની સતર્કતા અજોડઃ ઉપરાષ્ટ્રપતિ
જયપુરઃ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે જેસલમેરમાં બીએસએફ સૈનિક સંમેલનને સંબોધન કરતાં સૈનિકોને જણાવ્યું હતું કે, તમારી વચ્ચે આવ્યા પછી હું એક નવી ઊર્જાનો અનુભવ કરી રહ્યો છું અને આ ક્ષણ મારા માટે હંમેશા યાદગાર બની રહેશે. પોતાના વિદ્યાર્થી જીવનને યાદ કરતા ધનખરે કહ્યું, “હું સૈનિક સ્કૂલ ચિત્તોડગઢનો વિદ્યાર્થી રહ્યો છું. મેં પાંચમા ધોરણમાં ગણવેશ પહેર્યો હતો. હું ગણવેશની શક્તિ અને મહત્વ જાણું છું. મેં મારા બાળપણમાં જોયું છે કે એક ગણવેશ અચાનક તમને કેવી રીતે પરિવર્તિત કરે છે. ” બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોના સમર્પણની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે, “હું તમને જોઈને અભિભૂત થઈ ગયો છું! દેશની પ્રથમ હરોળની રક્ષા – સીમા સુરક્ષા દળ પોતાની ફરજો ઉત્કૃષ્ટ રીતે નિભાવી રહ્યું છે. તમારું કાર્ય ખૂબ વખાણવાલાયક અને પ્રશંસનીય છે. ”
ઉપરાષ્ટ્રપતિએ જેસલમેરમાં બીએસએફની બાવલિયાવાલા બોર્ડર ચોકીની મુલાકાત લીધી હતી અને ત્યાં તૈનાત સૈનિકો સાથે મુલાકાત કરી હતી. આ પ્રસંગે, તેમણે ‘તનોટ વિજય સ્તંભ’ ખાતે કૃતજ્ઞ રાષ્ટ્ર વતી અમર શહીદોને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી. કપરા સંજોગોમાં ફરજ બજાવતા બીએસએફના જવાનોના શૌર્યને બિરદાવતાં શ્રી ધનખરે જણાવ્યું હતું કે, આવી કાળઝાળ ગરમીમાં થોડી મિનિટો માટે પણ ઊભા રહેવું મુશ્કેલ છે. ચારે બાજુનું વાતાવરણ પડકારજનક છે અને તમારી પાસે સરહદ પર આંખો પટપટાવવાનો પણ સમય નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હિમાલયના ઊંચા પર્વતો, થારના આકરા રણ, પૂર્વોત્તરના ગાઢ જંગલો અને કળણવાળી રણ ખાડીમાં બીએસએફના જવાનોની સતર્કતા અજોડ છે.
ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે સરહદ સુરક્ષા દળના સૈનિકો દરેક ક્ષણે “આજીવન ફરજ” ના તેમના સૂત્રને પૂર્ણ કરી રહ્યા છે. પોતાના પરિવારોના બલિદાનને યાદ કરતા ધનખરે કહ્યું હતું કે, ” હું એ માતાઓને સલામ કરું છું જેમણે તમારા જેવા બહાદુર પુત્રો અને બહાદુર મહિલાઓને જન્મ આપ્યો છે અને તેમને રાષ્ટ્રની સેવા માટે સમર્પિત કર્યા છે.” સંરક્ષણ દળોમાં મહિલાઓની વધતી ભાગીદારીનો ઉલ્લેખ કરીને ઉપરાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, આપણે પ્રજાસત્તાક દિને ફરજનાં માર્ગે ભારતનું બદલાતું ચિત્ર જોયું છે, જ્યાં આપણી દિકરીઓએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. અહીં તેમની ભાગીદારી જોઈને મને ખૂબ જ આનંદ થયો.
રાષ્ટ્રની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપનારા અમર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા શ્રી ધનખરે કહ્યું હતું કે, “હું એ રક્ષકોને સલામ કરું છું, જેઓ આજે આપણી વચ્ચે નથી, જેઓ ભારત માતાની રક્ષામાં પોતાના જીવનનું બલિદાન આપીને અમર થઈ ગયા છે. હું તે બહાદુર સૈનિકોના પરિવારોને પણ નમ્રતાપૂર્વક સલામ કરું છું. ”
રક્ષા ક્ષેત્રમાં ભારતની વધી રહેલી આત્મનિર્ભરતાનો ઉલ્લેખ કરતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે એક સમય હતો જ્યારે નખ પણ આયાત કરવામાં આવતા હતા પરંતુ હવે આપણે રક્ષા ઉપકરણોની નિકાસ કરી રહ્યા છીએ. દેશમાં એરક્રાફ્ટ કેરિયર વિક્રાંતનું નિર્માણ કરવામાં આવ્યું, દેશમાં ફ્રિગેટ્સ બનાવવામાં આવ્યા, તેજસ બનાવવામાં આવ્યા, મિસાઇલ બનાવવામાં આવી અને આ શક્ય બન્યું કારણ કે તમે સરહદો પર શાંતિ જાળવી રાખો છો. તેમણે બીએસએફના જવાનોને કહ્યું કે તમે શાંતિના દૂત છો; તમારા કારણે જ ભારત દુનિયામાં શાંતિનો સંદેશવાહક છે અને ગર્વની વાત એ છે કે બીએસએફ વિશ્વની સૌથી મોટી બોર્ડર ગાર્ડિંગ ફોર્સ છે. અને હું એક નવી પ્રેરણા લઈને અહીંથી ઊર્જાવાન બનીને જઈ રહ્યો છું.
દેશના વિકાસમાં બીએસએફની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે તમે અહીં સરહદ પર તૈનાત છો, જેના કારણે ભારતીયો સુરક્ષિત વાતાવરણમાં સૂઈ શકે છે અને તે તમારા ધૈર્ય અને પરાક્રમનું પરિણામ છે કે દરેક ભારતીય નિર્ભયતાથી અને આત્મવિશ્વાસથી દેશના સર્વાંગી વિકાસ માટે કામ કરી રહ્યો છે. ઉપરાષ્ટ્રપતિએ ઘૂસણખોરી, દાણચોરી વગેરે જેવા ગુનાઓ મારફતે સરહદી વિસ્તારોને અસ્થિર કરવાના દેશના દુશ્મનો દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને અસરકારક રીતે નિષ્ફળ બનાવવા બદલ સીમા સુરક્ષા દળની પ્રશંસા કરી હતી. તેમણે આ પડકારોનો સામનો કરવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા પણ અપીલ કરી હતી.