અલીગઢઃ પિતાએ હિન્દી ભણાવવાની માંગણી કરતા ઈસ્લામિક સ્કૂલે દીકરીને સ્કૂલમાંથી જ કાઢી મુકી
લખનૌઃ ઉત્તર પ્રદેશના અલીગઢની શાળામાં હિન્દી ભણાવવા મુદ્દે બાળકીને બહાર કાઢી મુકવામાં આવી હતી. ઈસ્લામિક મિશન સ્કૂલમાં અભ્યાસ કરતી બાળકીના પિતા અમીરનો આરોપ છે કે, જ્યારે તેણે સ્કૂલ એડમિનિસ્ટ્રેશનને પૂછ્યું કે સ્કૂલમાં હિન્દી કેમ ભણાવવામાં આવતી નથી, તો સ્કૂલ એડમિનિસ્ટ્રેશને નર્સરી ક્લાસમાં અભ્યાસ કરતી દીકરીને સ્કૂલમાંથી જ હાંકી કાઢી હતી. જેથી પીડિત વાલીએ ડીએમ ઓફિસમાં ન્યાય માટે અરજી કરી છે. બીજી તરફ ડીએમ ઈન્દર વિક્રમ સિંહે ફરિયાદની નોંધ લેતા મામલાની તપાસ BSAને સોંપી છે.
અલીગઢના થાણા કુરસી વિસ્તારના પંજીપુર ગામના રહેવાસી મોહમ્મદ અમીરે જણાવ્યું છે કે, તેણે તેની પુત્રી અક્સાને નજીકની ઇસ્લામિક મિશન સ્કૂલમાં ક્લાસ નર્સરી 2022-2023માં દાખલ કરાઈ હતી. થોડા મહિનાઓ વીતી ગયા પછી પણ દીકરી અક્સાને બરાબર હિન્દી લખતા આવડતું નહોતું. તેથી તે પોતાની દીકરી અને પત્ની સાથે સ્કૂલે પહોંચ્યા હતા અને ત્યાંની સ્કૂલમાં હિન્દી ન ભણાવવાની ફરિયાદ કરી હતી. જ્યારે તેણે શાળા પ્રશાસનને હિન્દી અંગે પ્રશ્ન કર્યો તો તેની સાથે શાળામાં ગેરવર્તણૂક કરવામાં આવી અને દીકરીને પણ શાળામાંથી કાઢી મૂકવામાં આવી.
પિતા મોહમ્મદ અમીરએ આક્ષેપ કર્યો હતો કે, શાળામાં રાષ્ટ્રગીત પણ વગાડવામાં આવતું નથી. દીકરી અક્સા કહે છે કે, તે હિન્દીમાં ભણવા માંગે છે. પરંતુ ઈસ્લામિક મિશન સ્કૂલમાં માત્ર ઉર્દૂ જ ભણાવવામાં આવે છે. પરિવારે હવે આ મામલે ન્યાય માટે ડીએમને અપીલ કરી છે, ત્યારબાદ ડીએમ ઈન્દર વિક્રમ સિંહે આ મામલાની તપાસ BSAને સોંપી દીધી છે.
આ સમગ્રે મામલે BSA સત્યેન્દ્ર કુમાર ઢાકાએ જણાવ્યું છે કે, આ મામલે એક ટીમની રચના કરવામાં આવી છે, જેણે વિસ્તારના બ્લોક એજ્યુકેશન ઓફિસરને તપાસ સોંપી છે. તપાસના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. તે જ સમયે, જ્યારે આ મુદ્દે ઇસ્લામિક મિશન સ્કૂલના મેનેજર ડો. કૌનૈન કૌસર સાથે વાત કરવામાં આવી હતી, તેમણે સ્વીકારીને પોતાનો ખુલાસો રજૂ કર્યો છે કે છોકરીને હિન્દી શીખવવામાં આવતી નથી.
(Photo-File)