યુક્રેનના સુમીમાં ફસાયેલા તમામ 694 ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા : કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી
- સુમીમાં ફસાયેલા તમામ 694 ભારતીય વિદ્યાર્થીઓને બહાર કઢાયા
- કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ આપી આ અંગે માહિતી
- તમામ લોકો બસમાં ચડીને પોલ્તવા જવા રવાના
દિલ્હી:યુક્રેન પર રશિયન આક્રમણમાં યુક્રેનના સુમી શહેરમાં ફસાયેલા તમામ 694 ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા છે.કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ આ અંગેની જાણકારી આપી છે.પુરીએ જણાવ્યું કે, તમામ લોકો બસમાં ચડીને પોલ્તવા જવા રવાના થઈ ગયા છે.
થોડા સમય પહેલા યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું હતું કે,યુક્રેનએ મંગળવારે ઉત્તર-પૂર્વીય શહેર સુમી અને રાજધાની કિવ નજીકના ઇરપિન શહેરમાંથી નાગરિકોને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું.રશિયન અને યુક્રેનિયન સત્તાવાળાઓએ નાગરિકોને રશિયન દળો દ્વારા ઘેરાયેલા કેટલાક નગરો અને શહેરોમાંથી બહાર નીકળવા દેવા માટે “માનવતાવાદી કોરિડોર” સ્થાપિત કરવા સંમત થયા પછી સ્થળાંતર શરૂ થયું.
અગાઉ, નવી દિલ્હીમાં રશિયન દૂતાવાસે ટ્વિટ કરીને આ માહિતી આપી હતી કે,સુમીમાંથી ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે રશિયા ભારતીય સમય અનુસાર 13.30 વાગ્યે યુદ્ધવિરામ કરશે જેથી માનવતાવાદી કોરિડોર બનાવી શકાય.