દીવઃ ચોમાસા દરમિયાન સમુદ્રમાં તિવ્રગતિથી મોજા ઉછળતા હોય છે. અને ભારે પવનને કારણે દરિયામાં કરન્ટ વધુ રહેતો હોય છે. તેના કારણે દીવના નાગવા સહિત તમામ બીચ આજથી ત્રણ મહિના સુધી પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યા છે.દીવ પ્રશાસને દેશ- વિદેશના પર્યટકો માટે મોટો નિર્ણય લીધો છે. જેમાં દીવના તમામ બિચો તેમજ વિશ્વ વિખ્યાત નાગવા બીચ અને બ્લુ ફ્લેગ બીચ ઘોઘલા અને ગોમતીમાતા સહિતના તમામ બીચ આજે તા. 1 જુનથી 31 ઓગષ્ટ સુધી ત્રણ મહિના માટે બંધ કરવામાં આવી રહ્યા છે.
દીવના દરિયા કિનારે દેશ વિદેશના પર્યટકો હરીફરી શકશે પણ દરિયામાં નહાવા માટે જઈ શકશે નહીં. તેમજ કોઈપણ જાતની વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી જેમાં પેરાગ્લાઈડીંગ, વોટર સ્કુટર, જેસ્કી રાઈડ્સ, બનાના બોટ વગેરેની મજા પણ નહીં માણી શકે. કારણ કે ચોમાસાની સિઝન દરમિયાન દીવ પ્રસાશન દ્વારા દરીયો ખેડવા પર પ્રતિબંધ પણ મુકવામાં આવ્યો છે. દીવ કલેકટરના આદેશથી 144ની કલમ તમામ દરિયા કિનારે લગાડવામાં આવી છે. જેનું ઉલંઘન કરવા પર સખ્ત કાનુની કાર્યવાહી કરવામાં આવશે.
દીવનો છેલ્લા એક દાયકાથી પર્યટક ક્ષેત્રે સારોએવો વિકાસ થયો છે. દીવમાં જોવા લાયક અનેક સ્થળો આવેલા છે. જેમાં દીવનો કિલ્લો પર્યટકોનો સૌથી ફેવરિટ છે. દીવના કિલ્લાની ત્રણેય તરફ સમુદ્ર છે. ત્રણ તરફથી આ કિલ્લો સમુદ્રથી ઘેરાયેલો છે. અહીં પ્રવાસીઓને ભવ્ય નજારો જોવા મળે છે. આ ઉપરાંત હિલસા એક્વેરિયમમાં આકર્ષક અને રંગબેરંગી માછલીઓનું અદભૂત કલેક્શન જોવા મળે છે. દીવના સમુદ્રકાંઠે જે બીચ આવેલા છે. જેમાં જામ્પોર બીચ શાંત સમુદ્રી તટ છે. જામ્પોર સમુદ્રી તટ શાંતિનો અહેસાસ કરાવે છે. અહીં ખજૂરીના વૃક્ષોનો અવાજ સાંભળવા મળે છે. આ ઉપરાંત બોમ જીજસનું ચર્ચ છે, આ ચર્ચ 17મી સદીમાં પોર્ટુગીઝ લોકોએ બનાવ્યું હતું. તેમજ નાગોઆ બીચ પ્રવાસીઓનું હોટ ફેવરિટ છે. નાગોઆ બીચ. બુચરવાડા ગામમાં સમુદ્રીતટ પર અર્ધ વર્તુળાકારમાં આવેલું છે. અહીં અનેક પ્રકારના વોટરસ્પોટની મજા પ્રવાસીઓ માણી શકે છે. તેમજ ગંગેશ્વર મંદિર સમુદ્રીતટ પર આ મંદિર આવેલું છે. આ મંદિરમાં ભગવાન શિવ બિરાજમાન છે. આ મંદિરમાં ભગવાન શિવના પાંચ શિવલિંગ આવેલાં છે.(file photo)