દિલ્હી:નવા સંસદભવનના ઉદ્ઘાટન 28 મે ના રોજ છે ત્યારે નવા સંસદભવનના ઉદ્ઘાટન માટેનું આમંત્રણ દેશના તમામ સાંસદો અને અગ્રણી નેતાઓને મોકલવામાં આવ્યું છે. તેમાં લોકસભા અને રાજ્યસભાના તમામ ભૂતપૂર્વ સ્પીકર અને અધ્યક્ષો, રાજ્યોના મુખ્યમંત્રીઓ અને બંને ગૃહોના સાંસદોનો સમાવેશ થાય છે. આમંત્રણ પત્ર ભૌતિક અને ડિજિટલ બંને સ્વરૂપમાં મોકલવામાં આવ્યું છે. આ સિવાય ભારત સરકારના તમામ મંત્રાલયોના સચિવોને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે.
નવા સંસદ ભવનનાં ચીફ આર્કિટેક્ટ બિમલ પટેલ અને જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાને પણ ઉદ્ઘાટન સમારોહ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઐતિહાસિક અવસર માટે ફિલ્મ સ્ટાર્સ અને સ્પોર્ટ્સપર્સન સહિત કેટલીક અગ્રણી હસ્તીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર 28 મેના રોજ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન પ્રસંગે શુભેચ્છા પાઠવે તેવી શક્યતા છે. સૂત્રોએ મંગળવારે જણાવ્યું કે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંને ઉદ્ઘાટનના દિવસે અભિનંદન સંદેશ આપશે. વિપક્ષે તાજેતરમાં ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાની મંજૂરી ન આપીને ટોચના બંધારણીય પદોનો અનાદર કરવાનો આરોપ લગાવ્યો હતો.
તૃણમૂલ કોંગ્રેસ (TMC), કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (CPI), આમ આદમી પાર્ટી (AAP), CPIMએ નવી સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહમાં હાજરી ન આપવાની જાહેરાત કરી છે. રાજ્યસભામાં TMCના નેતા ડેરેક ઓ’બ્રાયન, CPIના જનરલ સેક્રેટરી ડી રાજા અને AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહે કહ્યું કે તેઓ ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સમાન વિચારો ધરાવતા વિપક્ષી દળો સંયુક્ત રીતે ટૂંક સમયમાં જ ઉદ્ઘાટન સમારોહના બહિષ્કારની જાહેરાત કરી શકે છે અને રાષ્ટ્રપતિ પાસે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાની માંગ કરી શકે છે. ઔપચારિક આમંત્રણ મળ્યા બાદ બુધવારે તેમના પક્ષમાંથી અંતિમ નિર્ણય લેવામાં આવશે.