Site icon Revoi.in

રાજ્યની શાળાઓમાં ધોરણ-5 થી 10ના તમામ બાળકોને ધનૂર અને ડિપ્થેરિયાની રસી અપાશે

Social Share

અમદાવાદઃ રાજ્યમાં (ધનૂર અને ડિપ્થેરિયા)Td રસીકરણ અભિયાન થકી રાજ્યની અંદાજે 26 લાખ જેટલી સગર્ભા માતાઓ-બાળકો તેમજ અંદાજે 50 હજાર જેટલી શાળાઓના લાખો વિદ્યાર્થીઓને વિવિધ 12 જેટલા ઘાતક રોગોથી આજીવન સુરક્ષિત કરાશે, તેમ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, રાજ્યની લાખો સગર્ભા માતાઓ, એક વર્ષથી નાની વયના બાળકો અને શાળાના વિદ્યાર્થીને ૧૨ જેટલા ઘાતક રોગોથી સુરક્ષિત કરવાના રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત સગર્ભા માતાઓને ધનૂર અને ડિપ્થેરિયા તેમજ બાળકોને થતા 12 ઘાતક રોગો જેવાં કે ઝેરી કમળો, બાળ ટી.બી., પોલીયો, ડીપ્થેરીયા, ઊટાટીયું, ધનુર, હીબ બેક્ટેરિયાથી થતા રોગો જેવાં કે, ન્યુમોનિયા અને મગજનો તાવ, ન્યૂમોકોકલથી થતા ન્યુમોનિયા, રોટા વાયરસથી થતા ઝાડા, ઓરી, રૂબેલા જેવા રોગો સામે સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ થકી જીવનરક્ષક રસીઓ દ્વારા રક્ષિત કરવામાં આવશે. રાજ્યમાં દર વર્ષે અંદાજીત 13.50 લાખ સગર્ભા માતાઓ અને 13 લાખ એક વર્ષથી નાની વયના બાળકોને સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત આવરી લેવામાં આવે છે.

મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, કોવિડ-19ની વૈશ્વિક મહામારીના કારણે છેલ્લાં બે વર્ષથી શાળાઓ બંધ હોવાથી બાળકોનું Td-ધનૂર અને ડિપ્થેરિયાનું રસીકરણ થઇ શક્યું નહતું. આ રસીકરણની ઝૂંબેશના પ્રથમ તબક્કા દરમિયાન ઓગસ્ટ-સપ્ટેમ્બર 2022માં રાજ્યની શાળાઓમાં ધોરણ 5 અને ધોરણ 10ના તમામ બાળકોને ટી.ડી. (ધનૂર અને ડિપ્થેરિયા)ની રસી આપવામાં આવનાર છે. આ કામગીરી ઈન્જેકટેબલ રસીકરણ માટેનું એક વિશાળ આભિયાન સાબિત થશે, આ અભિયાનમાં 1000 RBSK ટીમ દ્વારા અંદાજે 50 હજાર શાળાઓના અંદાજીત 23 લાખ બાળકોનું રસીકરણ કરવામાં આવશે. ઉપરાંત, આ અભિયાનમાં રહી ગયેલા બાળકોને બીજા તબક્કા દરમિયાન મમતા સેશનમાં પણ આવરી લેવામાં આવશે.

કેન્દ્ર સરકાર દ્વારા ટી.ડી. રસીકરણ માટેની માર્ગદર્શિકા 2019માં રજૂ કરવામાં આવી હતી. આ માર્ગદર્શિકા પ્રમાણે 10 અને 16 વર્ષના કિશોરો અને કિશોરીઓમાં ધનૂર અને ડીપ્થેરીયાની સામે રક્ષણ માટે TTની રસીની જગ્યાએ Tdની રસી આપવા માટે ભલામણ કરવામાં આવી છે. આ વેક્સીન હાલમાં 130થી વધુ દેશોમાં સલામત રીતે આપવામાં આવી રહી છે.