ગુજરાત હાઈકોર્ટના તમામ વિભાગને કરાશે સેનેટાઈઝ
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓની સાથે રાજ્યની વિવિધ કોર્ટના કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. દરમિયાન ગુજરાતના હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિએ તા. 10થી 14 એપ્રિલ સુધી વડી અદાલતના તમામ વિભાગ બંધ રાખીને સેનેટાઈઝ કરવાનો નિર્દેશ કર્યો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોરોના મહામારીને પગલે આપવામાં આવેલા લોકડાઉન બાદ રાજ્યની તમામ કોર્ટમાં કાનૂની કામગીરી બંધ રાખવામાં આવી હતી. માત્ર અરજન્ટ કામગીરી કરવામાં આવતી હતી. કોરોનાનું સંક્રમણ ઓછુ થતા કોર્ટમાં ફરીથી સરકારની કોરોના ગાઈડલાઈન અનુસાર કામગીરી શરૂ કરવામાં આવી હતી. જો કે, કેટલીક કોર્ટના કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા વકીલ આલમમાં ખળભળાટ મચી ગયો હતો. બીજી તરફ રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ પણ સતત વધી રહ્યાં છે. જેથી કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે હાઈકોર્ટે રાજ્ય સરકારને વિકએન્ડમાં કરફ્યુ અંગે સુચન કર્યું છે. દરમિયાન હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિએ કોર્ટના તમામ વિભાગોને સેનેટાઈઝ કરવાનો નિર્દેશ કર્યો છે. આ માટે તા. 10મી એપ્રિલથી તા. 14મી એપ્રિલ સુધી કોર્ટમાં માત્ર અરજન્ટ કામગીરી કરવામાં આવશે.