Site icon Revoi.in

ગુજરાતમાં 25મી એપ્રિલે કોંગ્રેસ દ્વારા તમામ જિલ્લા કલેક્ટર કચેરીઓનો ઘેરાવ કરાશે

Social Share

અમદાવાદઃ  કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું સાંસદપદ આંચકી લેવાના મામલે ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા આગામી તા. 25મી એપ્રિલે રાજ્યની તમામ કલેક્ટર કચેરીઓ પર ધરણાં કરીને આવેદનપત્ર આપવામાં આવશે.  એક તરફ ભાજપ 6થી 14 એપ્રિલ સુધી સ્થાપના દિન નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાય રહ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીનું સંસદપદ ગુમાવવાના વિરોધમાં રાજ્યભરમાં સરકાર વિરોધી કાર્યક્રમો કરવામાં આવશે. જેના ભાગરૂપે આગામી 25 એપ્રિલે તમામ 33 જિલ્લા કલેક્ટર કચેરીઓનો કોંગ્રેસના કાર્યકરો ઘેરાવ કરી વિરોધ પ્રદર્શન કરશે.

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, આગામી તા. 25 એપ્રિલથી ભાજપ સરકારના વિરોધમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમોમાં દેશભરમાંથી કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ પણ હાજર રહેશે. કલેક્ટર કચેરીઓની બહાર સંમેલનો યોજાશે જેમાં લોકોના પ્રશ્નો ઉજાગર કરીને સરકારની ખોટી નીતિઓ બહાર લાવવામાં આવશે.વિરોધ પ્રદર્શનના વિવિધ કાર્યક્રમો અંતર્ગત રવિવારે તાલુકાકક્ષાનાએ સંકલ્પ સત્યાગ્રહ સંમેલનો યાજાશે. જેમાં સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મંત્રી અને સૌરાષ્ટ્રના પ્રભારી રામકીશન ઓઝા ઉપસ્થિત રહેશે.

જગદીશ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીને લોકસભાના સભ્યપદેથી ગેરલાયક ઠેરવવાની બાબત મજબૂત સંકેત છે કે, વિશ્વની સૌથી મોટી લોકશાહી ગંભીર સ્થિતિમાં છે. વિવિધ પ્લેટફોર્મ પર મોદી અને અદાણી વચ્ચેના સંબંધો પર રાહુલ ગાંધી સતત સવાલો કરી રહ્યા છે. જેના કારણે તેમનો અવાજ બંધ કરવા આવા કુટિલ પગલાંનો આશરો લેવાઇ રહ્યો છે. કોંગ્રેસ પક્ષ આ હરકતની સખત નિંદા કરે છે અને સત્યની આ લડતમાં રાહુલ ગાંધીની પડખે છે. રાહુલ ગાંધી એકલા નથી, લાખો કોંગ્રેસીઓ અને દેશના કરોડો નાગરિકો સત્ય અને ન્યાયની આ લડાઈમાં તેમની સાથે છે. કોંગ્રેસ દ્વારા વિરોધ માટેના અન્ય કાર્યક્રમોનું આયોજન કરી રહી છે અને તેના માટે આગેવાન નેતાઓને જવાબદારી સોંપાઈ છે.