Site icon Revoi.in

કોલેજોના પ્રથમ વર્ષના તમામ વિદ્યાર્થીઓને હવે ઓગસ્ટમાં ટેબલેટ મળી જશે

Social Share

અમદાવાદઃ રાજ્યની કોલેજોમાં પહેલાં વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને છેલ્લા બે વર્ષથી ટેબલેટ આપવામાં ન આવ્યા હોવાના મુદ્દે હાલ ભારે વિવાદ ચાલી રહ્યો છે.તાજેતરમાં આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી સંગઠના કેટલાક વિદ્યાર્થીઓ ટેબલેટની માંગણી સાથે કેસીજીની ઓફિસમાં ધસી ગયા હતા. વિદ્યાર્થી કાર્યકર્તાઓના ભારે વિરોધના કારણે કેસીજીના ઇન્ચાર્જ દ્વારા આગામી 1લી ઓગસ્ટથી કેટલાક વિદ્યાર્થીઓને ટોકન પેટે અને સમગ્ર માસ દરમિયાન બાકી રહેલા તમામ વિદ્યાર્થીઓને ટેબલેટ આપવાની બાંયેધરી આપવાની ફરજ પડી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી ધો.12 પાસ કરીને કોલેજમાં આવતાં અથવા તો ધો.10 પાસ કરીને ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ લેતા તમામ વિદ્યાર્થીઓને એક હજાર રૂપિયા ટોકન લઇને ટેબલેટ આપવામાં આવે છે. મહત્વની વાત એ કે છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે વિદ્યાર્થીઓને ટેબલેટ આપવામાં આવ્યા નથી. કોરોનાનો વ્યાપ ઘટવા છતાં ટેબલેટ કયારે આપવામાં આવશે તે મુદ્દે કેસીજી દ્વારા કોઇ સ્પષ્ટતા સુધ્ધા કરવામાં આવતી નહોતી.

જેના કારણે તાજેતરમાં સ્વનિર્ભર ડિપ્લોમા ઇજનેરી કોલેજ એસો. દ્વારા પણ પત્ર લખીને આ સમયમાં વિદ્યાર્થીઓને ટેબલેટની જરૂર હોવાથી વહેલીતકે આપવાની માંગણી કરવામાં આવી હતી. જો ટેબલેટ આપી શકાય તેમ ન હોય તો વિદ્યાર્થીઓ પાસેથી લીધેલા એક હજાર રૂપિયા પરત આપવાની પણ માગણી કરવામાં આવી હતી. જો તાકીદે આ મુદ્દે નિર્ણય કરવામા ન આવે તો વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન કરવામા આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી.

જેના અનુસંધાનમાં આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી કાર્યકર્તાઓએ કેસીજી-નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાતમાં જઇને દેખાવો અને સૂત્રોચ્ચારો કરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. વિદ્યાર્થીઓના આંદોલનના કારણે કેસીજીના એડવાઇઝરે આગામી 1લી ઓગસ્ટથી કેટલાક વિદ્યાર્થીઓને ટોકન તરીકે અને ત્યારબાદ 20થી 25મી ઓગસ્ટ સુધીમાં તમામ બાકી રહેલા વિદ્યાર્થીઓને ટેબલેટ એનાયત કરી દેવાની બાંયેધરી આપવામાં આવી હતી.

(PHOTO-FILE)