Site icon Revoi.in

સિક્કીમમાં ભૂસ્ખલનની ઘટનામાં ફસાયેલા તમામ ગુજરાતી પ્રવાસીઓ સુરક્ષિત

Social Share

નવી દિલ્હીઃ સિક્કીમ રાજ્યના મંગન જિલ્લામાં ભારે વરસાદના પરિણામે ભૂસ્ખલનની ઘટના ઘટી હતી. આ ઘટના દરમિયાન નજીકના લાચુંગ ગામ ખાતે દેશભરના અનેક પ્રવાસીઓ ફસાયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા હતા. આ અંગે ગુજરાતના પ્રવાસીઓની સલામતી તથા તેમની પરિસ્થિતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા સિક્કીમ રાજયના વહીવટી તંત્ર સાથે સતત સંકલન કરવામાં આવી રહ્યું હતું.

સિક્કીમના વહીવટી તંત્ર તરફથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર ગુજરાતના આશરે 30થી વધુ પ્રવાસીઓ લાચુંગ ગામ ખાતે અલગ-અલગ હોટલમાં રોકાયેલા હોવાથી, ત્યાં ફસાયેલા હતા. ગુજરાતી પ્રવાસીઓની સલામતી અને સુરક્ષા અર્થે રાજ્ય સરકારે સિક્કીમ વહીવટી તંત્ર સાથે કરેલા સતત સંકલનના પરિણામે તમામ પ્રવાસીઓને રેસ્ક્યુ કરીને, સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

હાલમાં લાચુંગ ગામે કોઈ ગુજરાતી પ્રવાસી ફસાયેલો નથી અને તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે. આ ઉપરાંત ગુજરાતના ફસાયેલા ગુજરાતી પ્રવાસીઓ પૈકીના કેટલાક પ્રવાસીઓ ગુજરાત પરત ફર્યા છે, તેમ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની યાદીમાં જણાવાયું છે.