અમદાવાદઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કાર્યપ્રણાલી અનુસાર પ્રતિવર્ષ દિવાળી પર્વે અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક દેશના કોઈ એક સ્થાન પર યોજાતી હોય છે. જેના ભાગરૂપે આ બેઠક ગુજરાતના ભુજ ખાતે તા. 5થી 7મી નવેમ્બર સુધી યોજાશે. આ બેઠકમાં સંઘના કાર્યવિસ્તાર સહિતની બાબતો પર ચિંતન થશે. સંરસંઘચાલક ડો.મોહનજી ભાગવતજીનું તા. 31મી ઓક્ટોબરના રોજ ટ્રેન મારફતે ભુજમાં આગમન થશે, તેમજ 8મી નવેમ્બર સુધી કચ્છમાં રોકાણ કરશે.
ભુજમાં મળનારી આ બેઠકમાં સરસંઘસાવક ડો.મોહનજી ભાગવત, સરકાર્યવાહ દત્તાત્રેયજી હોસબલે ઉપરાંત સંઘના પાંચ સહ-સરકાર્યવાહ તેમજ અખિલ ભારતીય કાર્યકારણીના તમામ વિભાગના મુખ્ય કાર્યકર્તાઓ પૂર્ણ સમય ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં વિવિધ પ્રાંત અને ક્ષેત્રના ટીમના સદસ્યો સંઘચાલક, કાર્યવાહ અને પ્રચારક પણ પૂર્ણ સમય ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રમાં કાર્યરત અખિલ ભારતીય સ્તરની જેમની જવાબદારી છે એવા પ્રચારકો પણ આ બેઠકમાં પણ ભાગ લેશે. આમ કુલ મળી અને દેશભરમાંથી લગભગ 400થી વધારે કાર્યકર્તાઓ ભુજમાં કચ્છી લેવા પટેલ સમાજ સરદાર પટેલ વિદ્યા સંકુલ (ભુજ)માં આ ત્રિ-દિવસીય બેઠકમાં ભાગ લેશે.