ગુજરાતમાં પરવાનેદાર હથિયારધારકોને ઓલ ઈન્ડિયા પરમિટ નહીં અપાય
ગાંધીનગરઃ રાજ્યમાં પરવાનાવાળા હથિયાર ધારકોની સંખ્યામાં પણ વધારો થયો છે. ઘણા લોકો પોતાના શોક અને સમાજમાં રૂઆબ જમાવવા માટે યેનકેન પ્રકારે લાયસન્સ મેળવીને હથિયારો રાખતા હોય છે. હવે રાજ્યમાં રિવોલ્વર સહિતના હથિયારનો પરવાનો મેળવવા માગતા લોકોને અથવા ગુજરાતમાં હથિયારનો પરવાનો ધરાવનાર ધારકોને ઓલ ઇન્ડિયા પરમિટ નહીં આપવાનો નિર્ણય રાજ્યના ગૃહ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. હથિયાર ધારકોને ગુજરાત બહાર પ્રવાસ કરવાના સંજોગોમાં વધુમાં વધુ બે દિવસની મર્યાદામાં જર્ની લાઇસન્સ મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવા સૂચના આપવામાં આવી છે.
રાજ્યના ગૃહ વિભાગે આ મામલે તમામ લાઇસન્સી ઓથોરિટી પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટર તથા પોલીસ અધિક્ષકોને લેખિત આદેશ કર્યા છે. ગૃહ વિભાગે જણાવ્યું છે કે ઓલ ઇન્ડિયા પરમિટ આપ્યા બાદ જાહેર સલામતી અંગે કે શસ્ત્રની હેરાફેરી પર રાજ્ય પોલીસની કોઇ ભૂમિકા રહેતી નથી કે ટ્રેક પણ રહેતો નથી. આ સંજોગોમાં સલામતીની રીતે તે જરૂરી છે કે ઓલ ઇન્ડિયા પરમિટને બદલે ગણતરીના કલાકોમાં જ પરવાનેદાર જર્ની પરમિટ માગે ત્યારે આપવામાં આવે. રાજ્યમાં હથિયારોના પરવાના લેનારાઓની સંખ્યા વધી રહી છે. ત્યારે તેની સમીક્ષા કરવી જોઈએ તેવી માગ ઉઠી છે. શહેરો કરતા ગામડાંઓમાં હથિયારોના લાયસન્સ મેળવવાનો વધુ ક્રેઝ છે. રાજકીય નેતાઓની ભલામણો પણ વધુ આવતી હોય છે. અને હથિયારોના ઘણાબધા લાયસન્સ અપાયા છે. હવે ઓલ ઈન્ડિયા પરમિટ આપવામાં આવશે નહીં. અને જો પરમિટ આપવામાં આવી હશે તો તેને રદ કરવામાં આવશે. એવું સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે. ( file photo)