નવી દિલ્હીઃ આગામી દિવસોમાં યોજનારા એશિયા કપને લઈને હાલ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જો કે, આ વખતે યજમાન પાકિસ્તાન ઉપરાંત અન્ય એક દેશમાં આ ટુર્નામેન્ટ યોજાશે. ભારતની તમામ મેચ પાકિસ્તાન સિવાય અન્ય દેશમાં યોજાશે. જ્યારે ટુર્નામેન્ટમાં ભાગ લેનારી અન્ય પાંચ ટીમોની તમામ મેચ પાકિસ્તાનમાં જ રમાશે. જો એશિયાકપમાં ભારત ફાઈનલમાં પહોંચશે તો ફાઈનલ પણ પાકિસ્તાનની જગ્યાએ અન્ય દેશમાં રમાય તેવુ આયોજન કરવામાં આવી રહ્યું છે.
એશિયા કપ 2023 આ વખતે ODI ફોર્મેટમાં રમાવાની છે અને પાકિસ્તાનને તેની યજમાની મળી છે. બીસીસીઆઈએ પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે, ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટ રમવા માટે પાકિસ્તાન નહીં જાય. આવી સ્થિતિમાં એશિયા કપના આયોજનને લઈને શંકા હતી, પરંતુ હવે રિપોર્ટમાં સામે આવી રહ્યું છે કે, એશિયા કપ એક નહીં પરંતુ 2 દેશમાં રમાશે. ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી 5 ટીમની મેચ પાકિસ્તાનમાં રમાશે. આમાં યજમાન દેશનો પણ સમાવેશ થાય છે. તે જ સમયે, તે ભારત સિવાય અન્ય કોઈપણ દેશમાં હોઈ શકે છે. એશિયા કપ 1984 થી આયોજિત કરવામાં આવી રહ્યો છે અને આ પ્રથમ વખત હશે જ્યારે ટૂર્નામેન્ટ બે દેશોમાં યોજાશે.
એક રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન સિવાય ઓમાન, યુએઈ, શ્રીલંકા અથવા ઈંગ્લેન્ડમાંથી કોઈ એક દેશમાં મેચ રમાઈ શકે છે. અન્ય દેશોમાં માત્ર ભારતની જ મેચો યોજાવાની છે. જો ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચશે તો ફાઈનલ પણ પાકિસ્તાનમાં નહીં થાય. ટુર્નામેન્ટની મેચની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ તે સપ્ટેમ્બરમાં થવાની સંભાવના છે. ફાઈનલ સહિત કુલ 13 મેચો રમાશે.
6 ટીમોને 2 જૂથોમાં વહેંચવામાં આવી છે. ભારત, પાકિસ્તાન અને ક્વોલિફાયર ટીમને એક જ ગ્રુપમાં સ્થાન મળ્યું છે. બીજા ગ્રુપમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને શ્રીલંકાને રાખવામાં આવ્યા છે. બંને ગ્રુપની ટોપ-2 ટીમ સુપર-4માં જશે. સુપર-4ની ટોપ-2 ટીમોને ફાઇનલમાં સ્થાન મળશે. આ રીતે ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કુલ 3 મેચ રમાઈ શકે છે. ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર વર્લ્ડ કપ પહેલા તમામ ટીમોને ટુર્નામેન્ટમાંથી તૈયારી કરવાનો મોકો મળશે.