Site icon Revoi.in

વીર નર્મદ યુનિવર્સિટીમાં તમામ મીટિંગોમાં હવેથી નાસ્તો આપી શકાશે નહીં,

Social Share

સુરતઃ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિવિધ ફેકલ્ટીઓ અને મેનેજમેન્ટ સહિત વિવિધ બેઠકો અને મીટિંગોમાં યુનિના ખર્ચે મંગાવાતા નાસ્તા પર પ્રતિબંધ મુકી દીધો છે. અને નાસ્તાના બિલો હવે પાસ કરવામાં આવશે નહીં એવી હિસાબ શાખાને પણ સુચના આપી દેવામાં આવી છે. યુનિ. દ્વારા જારી કરાયેલા પરિપત્રથી ડિપાર્ટમેન્ટના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓમાં નારાજગી સાથે અસંતોષની લાગણી ઊભી થઈ છે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા  જારી કરાયેલા પરિપત્ર અનુસાર યુનિવર્સિટીમાં યોજાતી તમામ મીટિંગો અને કાર્યક્રમોમાં હવે માત્ર ચા-કોફી આપવાની જ છૂટ આપવામાં આવી છે અને અમુક જ ખાસ સંજોગોમાં નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવશે. આ નવી ગાઈડલાઈન પર ભારે વિવાદ છેડાઈ રહ્યો છે. ઘણા કર્મચારીઓ આ કડક નિર્ણયને યુનિવર્સિટીના સંચાલનને નાગરિક સુવિધાઓ અંગેની બેદરકારીના પુરાવા તરીકે માને છે. એક તરફ યુનિવર્સિટી શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે આગળ વધવાની વાત કરે છે, તો બીજી તરફ કર્મચારીઓને મીટિંગો દરમિયાન જરૂરી વ્યાવસાયિક સગવડોમાં પર કાપ મૂકવામાં આવી રહ્યો છે. આ પરિપત્રને લઈને કેટલાક કર્મચારીઓએ વિરોધની લાગણી જાહેર કરી છે. કર્મચારીઓનું માનવું છે. કે, આ પ્રકારના નિયમોનો અમલ કાર્યક્ષમતામાં ઘટાડો લાવી શકે છે, કેમ કે મોટી મીટિંગો અને કાર્યક્રમોમાં ભાગ લેનાર લોકોને યોગ્ય આદર નથી મળતો. વિશ્વવિદ્યાલય સંચાલનનો આ નિર્ણય અનેક પ્રશ્નો ઊભા કરી રહ્યો છે.

યુનિના પ્રાધ્યાપકોના કહેવા મુજબ  કાશીનું મરણ અને સુરતનું જમણ કહેવત આખા દેશમાં પ્રચલીત છે, જ્યારે આપણી જ યુનિવર્સિટીમાં મીટિંગમાં નાસ્તા પર કાપ મૂકી દેવાયો છે. જ્યારે યુનિવર્સિટીના સૂત્રો એવું કહી રહ્યા છે કે, મીટિંગમાં સભ્યો અલગ-અલગ પ્રકારના નાસ્તા મંગાવતા હતા, જેને કારણે ખર્ચ ખૂબ જ વધી જતો હતો, જેથી તેના પર અંકુશ મેળવવા માટે નાસ્તા પર કાપ મૂકવો પડ્યો છે અને અમુક જ સંજોગમાં નાસ્તો મંગવવા માટે મંજૂરી અપાઇ છે.