અમદાવાદઃ શહેરમાં અષાઢી બીજને દિને રથયાત્રા યોજાશે. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજી શહેરની નગરચર્યાએ નીકળશે. રથયાત્રાને હવે એક સપ્હા જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેઠ સુદ પૂનમે જળયાત્રા બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે મોસાળ – સરસપુરના રણછોડરાય મંદિરમાં વાજતે ગાજતે પધાર્યા છે. ત્યારથી જ સરસપુરવાસીઓ ભગવાનની મહેમાનગતિમાં જોડાઈ ગયા છે. મોસાળમાં સવાર- સાંજ ભજન -કીર્તન ચાલી રહ્યા છે. તેમજ લોકો પોતાના ઘરેથી વિવિધ વાનગીઓ બનાવીને ભગવાનને પીરસે છે. ભગવાન જગન્નાથજી રથયાત્રામાં પણ સરસપુરમાં વિશ્રામ કરતા હોવાથી ભાવિકો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
અમદાવાદની રથયાત્રા દેશભરમાં પ્રખ્યાત છે. રથયાત્રાના પંદર દિવસ અગાઉ ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે મોસાળ સરસપુરમાં રહેવા આવે છે. ત્યારે મોસાળમાં યજમાન અને તેમનો પરિવાર જ નહીં, તમામ પોળના રહેવાસીઓ ભગવાનની સેવા કરવા વહેલી સવારથી મંદિરે આવી જાય છે. ભગવાન માટે પોળવાસીઓ તેમના ઘરેથી રોજ જુદી-જુદી વાનગીઓ બનાવીને લાવે છે. તેમજ તેમને સુંદર શણગાર કરે છે. રથયાત્રાના દિવસે આશરે બે લાખ લોકો માટે પ્રસાદ બનાવવા આગલી રાતથી સરસપુરમાં નાના-મોટા રસોડા ધમધમી ઉઠે છે. રથયાત્રામાં ભાવિકોને પ્રસાદમાં ચોખા ઘીની બુંદી, મોહનથાળ, ફુલવડી, ગાંઠિયા, પુરી-શાક, છાશ પીરસવામાં આવશે. આ અંગે અગ્રણી નરસિંહભાઈ પટેલ જણાવ્યુ હતું કે, 44 વર્ષથી તેઓ રણછોડરાય યુવક મંડળ સાથે મળીને ટીમ બનાવી ભંડારાની સામગ્રી એકઠી કરવાની સેવા કરે છે. ઉપરાંત ભગવાનની સેવા કરવાનો લ્હાવો લેવા સરસપુરમાં આ પંદર દિવસ દરમિયાન દૂર- દૂરથી શ્રદ્ધાળુઓ આવતા શેરીઓ ભક્તિમય બની જાય છે.