નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલી નવી ભરતી યોજના ‘અગ્નિપથ’ને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે અગ્નિપથ યોજના સાથે જોડાયેલી અરજીઓને દિલ્હી હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરી દીધી છે. એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે કેરળ, પંજાબ અને હરિયાણા, પટના અને ઉત્તરાખંડની હાઈકોર્ટને અગ્નિપથ વિરુદ્ધની તમામ પીઆઈએલને દિલ્હી હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવા નિર્દેશ કર્યો હતો.
સુત્રોના જણાવ્યા અનુસાર અગ્નિપથ યોજના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ત્રણ અરજીઓ દાખલ થઈ હતી. જેમાં આ આયોજનને હાલ પુરતી અટકાવવાની માંગ કરવામાં આવી હતી. અરજદારોએ એવી માંગણી પણ કરી હતી કે જેઓ સેનામાં નોકરી મેળવવાની પ્રક્રિયામાં છે તેમના પર આ યોજના લાગુ ન થવી જોઈએ.
કેન્દ્રએ 21 જૂને સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ અરજી દાખલ કરીને સંરક્ષણ દળો માટે ‘અગ્નિપથ’ ભરતી યોજનાને પડકારતી અરજીઓ પર સરકારની બાજુ સાંભળવાની પણ માંગ કરી છે. અરજીમાં રજૂઆત કરાઈ હતી કે, તેમનો પક્ષ સાંભળ્યા વિના કોઈ આદેશ પસાર કરવામાં ન આવે. કેન્દ્રના નોટિફિકેશનને રદ કરવાની માંગ કરતી પીઆઈએલ એડવોકેટ એમએલ શર્મા દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેમાં દલીલ કરવામાં આવી હતી કે આ યોજના ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે.
અગ્નિપથ યોજના હેઠળ સેનામાં 1 જુલાઈથી જ્યારે એરફોર્સમાં 24 જૂનથી અને નેવીમાં 25 જૂનથી ભરતી પ્રક્રિયા શરૂ થઈ હતી. 17.5 વર્ષથી 21 વર્ષની વચ્ચેના ઉમેદવારો આ ભરતીમાં જોડાઈ શકશે.જોકે, આ વર્ષની વય મર્યાદા વધારીને 23 વર્ષ કરવામાં આવી છે. આ ભરતી ચાર વર્ષ માટે રહેશે. આ પછી, કામગીરીના આધારે 25 ટકા કર્મચારીઓને નિયમિત કેડરમાં પાછા દાખલ કરવામાં આવશે.