અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યાં છે. કોરોનાની ઝપટે અત્યાર સુધીમાં 1400થી વધારે પોલીસ અધિકારી અને કર્મચારીઓ ચડ્યાં છે. હવે પોલીસ કર્મચારીઓને કોરોનાથી રક્ષણ મળી રહે તે દિશામાં પોલીસ વિભાગ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવશે. એટલું જ નહીં પોલીસ સ્ટેશનોને સેનેટાઈઝ પણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
અમદાવાદ સહિત રાજ્યભરમાં લોકડાઉનના સમયમાં પોલીસની કામગીરી સૌથી ઉત્તમ રહી છે. જેની નોંધ રાજ્ય સરકારે પણ લીધી હતી. જો કે, કોરોનાથી પોલીસ અધિકારી-કર્મચારીઓ પણ બાકાત રહ્યાં નથી. અત્યાર સુધીમાં 1400થી વધારે પોલીસ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયાં છે. જે પૈકી 13 પોલીસ કર્મચારીઓના અવસાન થયાં છે. જો કે 1061 પોલીસ કર્મચારીઓ કોરોનાને મ્હાત આપીને સાજા થયાં છે. જ્યારે હાલ 349 જેટલા પોલીસ કર્મચારીઓ કોરોનાની સારવાર લઈ રહ્યાં હોવાનું જાણવા મળે છે.
બીજી તરફ પોલીસ કર્મચારીઓમાં કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે પણ પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. હવે કોર્પોરેશન સાથે મળી તમામ પોલીસ કર્મચારીઓનું કોરોના ટેસ્ટ કરવામાં આવશે. એટલું જ નહીં તમામ પોલીસ સ્ટેશન અને એજન્સીઓમાં સેનિટાઇઝેશનની કાર્યવાહી પણ કરવામાં આવશે.