Site icon Revoi.in

ગુજરાતમાં વિવિધ સરકારી સહાયથી ખેડૂતનો સર્વાંગી વિકાસ કરાયોઃ નીતિન પટેલ

Social Share

અમદાવાદઃ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે અમદાવાદના દેત્રોજ સ્થિત “કિસાન સમ્માન દિવસ” કાર્યક્રમમાં કહ્યું હતું કે, રાજ્યભરમાં કિસાન સુર્યોદય યોજનાના અસરકારક અમલીકરણ થી ખેડૂતને “નિરાંતની નીંદર” મળશે. સૌરાષ્ટ્રના અનેક ગામોમાં આ યોજનાના અસરકારક અમલીકરણ બાદ આજે દેત્રોજ તાલુકાના ૩૦ જેટલા ગામોના ખેડૂતોને આ યોજના થકી ખેતી અને સિંચાઈ  માટે દિવસે પણ વીજળી ઉપલબ્ધ થનાર છે જે એક ઐતિહાસિક ક્ષણ છે. આ યોજના દેત્રોજ તાલુકાને જ નહીં રાજ્યના તમામ ખેડૂતો, જગતના તાતની સુખાકારીમાં વધારો કરશે.

નાયબ મુખ્ય મંત્રીએ ઉમેર્યું હતું કે, ખેડૂતોની સુખાકારી માટે જનહિત લક્ષી નિર્ણય કરી તેમને દિવસે પણ વિજળી પ્રાપ્ત થાય તે માટેની “કિસાન સૂર્યોદય યોજના” કાર્યરત કરીને રાજ્ય સરકારે ખેડૂતોના હિત માટે પોતાની કટિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અગાઉની સરકારના સમયમાં ખેડૂતોને રાત્રી દરમિયાન ઉજાગરા કરીને ખેતી કરવા જવું પડતું હતું. જે જોખમ ભરેલું હતું. જેની ચિંતા રાજ્ય સરકારે કરીને રાજ્યમાં “કિસાન સૂર્યોદય  યોજના” અમલી બનાવી છે. આઠ થી નવ હજાર કરોડના ખર્ચ મંજુર કરીને જી.ઈ.બી.ના સહયોગથી ખેડૂતોને દિવસ દરમિયાન પણ ખેતી માટે વીજળી મળી રહે તેવું તબક્કાવાર આયોજન રાજ્ય સરકારે હાથ ધર્યું છે. જેના ભાગરૂપે અમદાવાદમાં પણ તબક્કાવાર કિસાન સૂર્યોદય યોજનાની અમલવારી શરૂ થવા જઈ રહી છે. રાત્રી ઉપરાંત દિવસ દરમિયાન પણ ખેતી માટે હાઇવોલ્ટેજ સહિત વીજળી ઉપલબ્ધ થાય તે માટે ફીડર બદલવાની આવશ્યકતા રહે છે જેના ઉપલક્ષ્યે આ યોજનાની અમલવારી રાજ્યમાં તબક્કાવાર થઈ રહી છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે,, “કિસાન સૂર્યોદય યોજના”ના અમલીકરણ થી રાજ્યમાં ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી ઉપલબ્ધ કરાવતું સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે ખેડૂતોને વીજળી જ નહીં વિવિધ કૃષિ લક્ષી સહાય આપીને રાજ્ય સરકાર જગતના તાતના પ્રશ્નોના હર હંમેશ નિરાકરણ લાવ્યા છે. જ્યોર્તિગ્રામ યોજના દ્વારા રાજ્યના ગામે ગામ વીજળી પહોંચાડવાનું કાર્ય સફળતાપૂર્વક હાથ ધરાયું હતું જેના પરિણામ સ્વરૂપ આજે ગામમાં 6૦ થી 7૦ હોર્સ પાવર વીજકનેકશન ઉપલબ્ધ થયા છે જેનાથી ગામનો ખેડૂત સુખી અને સંપન્ન બન્યો છે.