દિલ્હી:ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ભારે વરસાદે તબાહી મચાવી છે.રાજધાની દિલ્હી સહિત મેદાની રાજ્યોના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેના કારણે વાહનવ્યવહારને માઠી અસર થઈ છે. દિલ્હીમાં યમુનાનું પાણી ખતરાના નિશાનની નજીક પહોંચી ગયું છે.
દિલ્હી-NCRમાં સતત મુશળધાર વરસાદ અને હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે સોમવારે MCD, સરકારી અને ખાનગી શાળાઓને બંધ રાખવાનો આદેશ આપ્યો છે. આ અંગે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને જણાવ્યું કે બે દિવસથી પડી રહેલા વરસાદને ધ્યાનમાં રાખીને તમામ શાળાઓ એક દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. સોમવારે હવામાનની સ્થિતિ જોયા બાદ જ શાળા ખોલવા સંબંધિત નિર્ણય લેવામાં આવશે.
શિક્ષણ મંત્રી આતિષીએ પણ શિક્ષણ નિયામકને સૂચના આપી છે. વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમણે તમામ પ્રાદેશિક શિક્ષણ નિયામક, નાયબ શિક્ષણ નિયામક, જિલ્લા-ઝોન, આચાર્ય અને વાઇસ પ્રિન્સિપાલને શાળાઓનું નિરીક્ષણ કરવાનો આદેશ આપ્યો છે.તેમણે કહ્યું કે સત્તાવાળાઓએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે શાળા ખોલતા પહેલા, એવી કોઈ જગ્યા ન હોવી જોઈએ કે જે કોઈપણ રીતે શાળાના બાળકોની સલામતી માટે જોખમ ઊભું કરી શકે. શાળાના બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ શાળાઓની ભૌતિક તપાસ કરવામાં આવી રહી છે. આતિશીએ શિક્ષણ સચિવને શાળાઓમાં સુરક્ષા સંબંધિત રિપોર્ટ તૈયાર કરવા કહ્યું છે.
ગાઝિયાબાદમાં ડીએમ દ્વારા એડવાઈઝરી જારી કરવામાં આવી છે. ભારે વરસાદને જોતા શાળાઓમાં 10મી અને 11મીની રજાઓ પણ જાહેર કરવામાં આવી છે.