Site icon Revoi.in

અમદાવાદના તમામ બ્રિજના પિલ્લરો અને દીવાલો પર પણ PPP ધોરણે કલરફુલ ચિત્રો દોરાશે

Social Share

અમદાવાદઃ  ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય પક્ષો દ્વારા શહેરમાં બ્રિજ, રોડ પરની દીવાલો ઉપર પોતાના પક્ષના ચિન્હો અને લખાણો લખવામાં આવ્યા છે. અમદાવાદ શહેરના ઓવરબ્રિજની નીચેના ભાગમાં પણ આ રીતે કે પક્ષો દ્વારા લખાણ લખી અને દીવાલોને ખરાબ કરવામાં આવતા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા હવે આ બ્રિજના ભાગને કલરફૂલ આકર્ષક ચિત્રો સાથે પેઇન્ટિંગ કરવામાં આવશે. તાજેતરમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરમાં આવેલા તમામ બ્રિજના નીચેના ભાગને પીપીપી ધોરણે પેઈન્ટ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

અમદાવાદ મ્યુનિ.ના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે બ્રિજના ભાગને પીપીપી ધોરણે આકર્ષક ચિત્રો સાથે પેઇન્ટ કરવામાં આવશે. એજન્સી દ્વારા બ્રિજને પ્રિન્ટ કરવામાં આવશે. જેમાં 25 ટકા ભાગમાં તે પોતાની જાહેરાત કરશે બાકીના 75 ટકા ભાગમાં આકર્ષક ચિત્રો દોરાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ માટે કોઈપણ પ્રકારનો ખર્ચ કરવામાં આવશે નહીં.

સૂત્રોએ જણાવ્યું હતું કે,  સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરમાં વરસાદ બાદ રોગચાળો વધ્યો છે તેને લઈને પણ ચર્ચા થઈ હતી. ઠેરઠેર પાણી ભરાયા હોવાથી અને કાદવ કીચડ થયો હોવાથી દરેક વિસ્તારમાં ફોગિંગ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. જ્યાં પાણી ભરાયેલા છે ત્યાં મચ્છર ન થાય તેના માટે દવાનો છંટકાવ કરવા પણ જણાવવામાં આવ્યું હતું. શહેરમાં વરસાદ બાદ ફરી એકવાર ખાડાઓ પડ્યા છે જેથી આ ખાડાઓ પુરવા માટે સુચના આપવામાં આવી હતી. શહેરના કેટલાક વિસ્તારો માં રોડ બનાવવામાં આવ્યા છે ત્યાં બમ્પ હતા તેને દૂર કરી દેવામાં આવ્યા છે. જેથી અકસ્માતો વધી શકે છે અકસ્માતો નિવારવા માટે યોગ્ય રીતે પરમિશન લઇ અને જે તે વિસ્તારમાં બમ્પ બનાવવા માટે પણ સૂચના આપવામાં આવી હતી. આગામી દિવસોમાં જૈન સમાજનો પર્યુષણનો તહેવાર આવતો હોવાથી 24થી 3 ઓગસ્ટ સુધી કતલખાના બંધ રાખવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.