નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને જાહેરાત કરી હતી કે, અફઘાનિસ્તાનમાં અમેરિકી હવાઈ હુમલામાં અલ-કાયદાના નેતા અયમાન અલ-ઝવાહિરી માર્યો ગયો છે. અમેરિકાની કાર્યવાહીમાં ઓસામા બિન લાદેન માર્યા ગયા બાદ અલ-ઝવાહિરી અલ-કાયદાનો નેતા બન્યો હતો. ગુપ્તચર વિભાગને ઝવાહીર કાબુલ સ્થિત પોતાના મકાનમાં પરિવાર સાથે છુપાયો હોવાની માહિતી મળી હતી. બાઈડને આ કાર્યવાહીની ગત અઠવાડિયાએ મંજૂરી આપી હતી. અંતે તેનો ખેલ કરવામાં આવ્યો હતો. ઝવાહિર પહેલા પાકિસ્તાનમાં છુપાયો હતો જો કે, અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકાર આવતા તે કાબુલ આવી ગયો હતો. અલ-ઝવાહીરને મકાનની બાલ્કીના જવાની આદત તેને ભારે પડી હતી. જેથી ગુપ્તચર વિભાગની આ માહિતીના આધારે સીઆઈએની ટીમે ઓપરેશન હાથ ધર્યું હતું. ઝવાહિર પરિવાર સાથે અફઘાનિસ્તાનમાં હોવાની માહિતીના આધારે છ મહિનાથી સીઆઈએની ટીમ તેની પાછળ લાગેલી હતી.
તાલિબાન સરકારના ગૃહમંત્રી અને કુખ્યાત આતંકવાદી સિરાજુદ્દીન હક્કાનીએ તેને અહીં સુરક્ષિત આશરો આપ્યો હતો. અમેરિકી અધિકારીઓએ કહ્યું કે જવાહિરીની સૌથી મોટી ભૂલ તેના ઘરની બાલ્કનીમાં વારંવાર જવાની તેની આદત હતી. બાલ્કનીમાં આવવાની આ આદતને કારણે સીઆઈએ અધિકારીઓને કાબુલમાં ઝવાહિરી છુપાયા હોવાનો આઈડિયા આવ્યો અને તેઓએ રિપર ડ્રોનથી હેલફાયર મિસાઈલ ફાયર કરીને તેનું કામ તમામ કર્યું હતું. આ હુમલામાં હક્કાનીનો પુત્ર અને જમાઈ પણ માર્યા ગયા હોવાના અહેવાલ છે. આ સફળતા બાદ બિડેને કહ્યું કે જ્યાં પણ અમારા દુશ્મનો છુપાયેલા હશે, તેમને મારવામાં આવશે.
71 વર્ષીય ઝવાહિરી લાદેનના મોત બાદ છેલ્લા 11 વર્ષથી સતત વીડિયો જાહેર કરીને દુનિયાને ધમકી આપી રહ્યો હતો. અમેરિકાએ તેની ઉપર કરોડોનું ઇનામ રાખ્યું હતું. ઝવાહિરી કુખ્યાત આતંકવાદી બિન લાદેનનો અંગત ડોક્ટર હતો. હક્કાનીનો પરિવાર પણ ઝવાહિરી સાથે એક જ ઘરમાં રહેતો હતો. આ હુમલો બિડેનના આદેશ પર કરવામાં આવ્યો છે. હુમલા સમયે કાબુલમાં કોઈ અમેરિકન સૈનિક હાજર ન હતા.
અમેરિકી અધિકારીઓનું કહેવું છે કે, તાલિબાન પાસે ઝવાહિરી વિશે માહિતી હતી, જે દોહા કરારનું સીધું ઉલ્લંઘન છે. જોકે, હુમલામાં ઝવાહિરીના પરિવારને કોઈ નુકસાન થયું નથી. અમેરિકાએ આ હુમલા અંગે તાલિબાનને કોઈ માહિતી આપી નથી. જો કે તાલિબાન સરકાર આ ઘટનાથી નારાજ છે અને તેણે અમેરિકાને ચેતવણી આપી છે.
તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહે કહ્યું કે, 31 જુલાઈએ કાબુલ શહેરના શેરપુર વિસ્તારમાં હવાઈ હુમલો થયો હતો. શરૂઆતમાં એ જાણી શકાયું નથી કે આ હુમલો કયા પ્રકારનો હતો. પરંતુ બાદમાં જાણવા મળ્યું કે અમેરિકાએ ડ્રોનથી હુમલો કર્યો છે. ઝબીઉલ્લાહે કહ્યું કે તાલિબાન સરકાર આ હુમલાની સખત નિંદા કરે છે અને તે આંતરરાષ્ટ્રીય સિદ્ધાંતો અને દોહા કરારનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.
અલ-ઝવાહિરી અને ઓસામા બિન લાદેને અમેરિકા પર 9/11ના હુમલાની યોજના બનાવી હતી. આ હુમલામાં 3000થી વધુ અમેરિકન નાગરિકો માર્યા ગયા હતા. 2 મે, 2011ના રોજ પાકિસ્તાનમાં એક ઓપરેશનમાં યુએસ નેવી સીલ્સ દ્વારા ઓસામા બિન લાદેનને મારી નાખવામાં આવ્યો હતો. અફઘાનિસ્તાનમાંથી યુએસ આર્મીના પરત ફર્યાના 11 મહિના બાદ તેને ઠાર મારવામાં આવ્યો છે.
અલ-કાયદાને મજબૂત કરવામાં અલ-ઝવાહિરીની ભૂમિકા હતી. 1998 થી, તેણે બિન લાદેનની છત્રછાયા હેઠળ અને બાદમાં તેના અનુગામી તરીકે સેવા આપી. એક વરિષ્ઠ ગુપ્તચર અધિકારીના જણાવ્યા અનુસાર, જે ઘર અલ-ઝવાહિરીની હત્યા કરવામાં આવી હતી તે તાલિબાન નેતા સિરાજુદ્દીન હક્કાનીના ટોચના સહયોગીનું છે.