અમદાવાદઃ ગુજરાતમાંથી વિદેશ જનારાઓની સંખ્યા સવિશેષ હોય છે. ઘણા બધા વિદ્યાર્થીઓ પણ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માટે સૌ પ્રથમ પાસપોર્ટ કઢાવતા હોય છે. ત્યારે અમદાવાદના પાસપોર્ટ કેન્દ્રો પર લાંબુ વેઈટિંગ લિસ્ટ ચાલી રહ્યું છે. તેથી લોકોને પાસપોર્ટ મેળવવા માટે લાંબી રાહ જોવી પડે છે. આથી પાસપોર્ટનું વેઈટિંગલિસ્ટ ઘટાડવા માટે રિજિયોનલ કચેરીએ કવાયત હાથ ધરી છે. જેના માટે આવતી કાલે શનિવારે તમામ પાસપોર્ટ સેવા કેન્દ્રો કાર્યરત રહેશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતની પાસપોર્ટની રિજિનલ કચેરી દ્વારા પાસપોર્ટનું વેઈટિંગ લિસ્ટ ઘટાડવા માટે અને પેન્ડિંગ અરજીઓનો ઝડપભેર નિકાલ કરવા માટે આવતીકાલ તા.17 ડિસેમ્બરને શનિવારે પાસપોર્ટ સેવા કેન્દ્રો ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાસપોર્ટ કચેરી દ્વારા એમ કહેવામાં આવ્યુ છે કે નવા અરજદારો 17મી ડિસેમ્બરની એપોઈન્ટમેન્ટ લઈ શકે છે. એટલું જ નહીં. અગાઉ અરજી કરનારા પણ શિડયુલ બદલાવી શકે છે. નોર્મલ તથા તત્કાલ એમ બન્ને શ્રેણીના પાસપોર્ટ માટે આ લાગુ થશે.
પાસપોર્ટ કચેરીના એક સિનિયર અધિકારીના કહેવા પ્રમાણે પાસપોર્ટ માટેની અરજી તથા વેઈટીંગ વધતા આ નિર્ણય લેવાયો છે. સામાન્ય રીતે મહિને 40000 અરજીઓ સામે જાન્યુઆરીમાં 55000 અરજીઓનો ખડકલો થયો હતો. કોરોના નિયંત્રણો દુર થઈ જવા સાથે વિદ્યાર્થીઓ તથા પ્રવાસીઓની પાસપોર્ટ અરજીઓ વધી ગઈ છે. પાસપોર્ટ માટે લાંબી પ્રતિક્ષા કરવી ન પડે અને પ્રક્રિયા ઝડપથી થાય તે માટે રજાના દિવસે પણ કચેરીઓ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. પાસપોર્ટ સેવા કેન્દ્રોમાં રોજીંદી કામગીરી થશે.