- જે પરીક્ષાનાં માર્કસ વધુ હોય તેને ગણતરીમાં લેવાશે,
- તમામ પ્રવાહના વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષામાં તમામ વિષયમાં બેસવાની તક મળશે.
- ફેબ્રુઆરીમાં મુખ્ય પરીક્ષા અને ત્યારબાદ તમામ વિષયની પૂરક પરીક્ષા લેવામાં આવશે
ગાંધીનગરઃ CBSE દ્વારા જે રીતે ધો.10 અને 12માં બે વાર બોર્ડ પરીક્ષા લાગુ કરવામાં આવી છે, તે જ રીતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પણ આવતા વર્ષથી ધોરણ 10 અને 12ના તમામ પ્રવાહના વિદ્યાર્થીઓ બેવાર પરીક્ષા આપી શકશે, એવો નિર્ણય લેવામાં આવ્યો છે, જે એક પરીક્ષામાં વિદ્યાર્થીને તેના પરિણામથી સંતોષ નહોય તો બીજી પરીક્ષા આપી શકશે બન્ને પરીક્ષામાં જે પરીક્ષાના વધુ માર્કસ હશે તેને જ ગણતરીમાં લેવામાં આવશે.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વની જાહેરાત કરાઈ છે. જે મુજબ આગામી મુખ્ય બોર્ડ પરીક્ષા ફેબ્રુઆરીથી માર્ચમાં લેવાયા બાદ જૂનમાં ધો.12 સાયન્સ સાથે ધો.10 અને સામાન્ય પ્રવાહ માટે બીજીવાર બોર્ડ પરીક્ષા એટલે કે તમામ વિષયોની પૂરક પરીક્ષા લેવાશે. ગત વર્ષે ધો.12 સાયન્સમાં બેસ્ટ ઑફ ટુની સ્કીમ લાગુ કરાયા બાદ હવે ધો.10 અને 12 સામાન્ય પ્રવાહમાં બેસ્ટ ઑફ ટુની સ્કીમ મુજબ વિદ્યાર્થીને પૂરક પરીક્ષામાં પરિણામ સુધારવાની તક મળશે. ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ માટે તમામ વિષયોની બીજીવાર બોર્ડ પરીક્ષા-પૂરક પરીક્ષા લેવાઈ ન હતી. હવે ચાલુ શૈક્ષણિક વર્ષમાં એટલે કે આગામી 2025માં બોર્ડ દ્વારા ધો.10 અને 12 સામાન્ય પ્રવાહમાં પણ તમામ વિષયો માટે પૂરક પરીક્ષા પણ લેવાશે. ધો.10 અને ધો.12ના તમામ પ્રવાહના ઉમેદવારોને પૂરક પરીક્ષામાં તમામ વિષયમાં બેસવાની અને પરિણામ સુધારવાની તક મળશે. વિદ્યાર્થીના મુખ્ય પરીક્ષા અને પૂરક પરીક્ષાના પરિણામમાંથી જે પરિણામ શ્રેષ્ઠ એટલે માર્કસ વધારે હશે તેને જ ઘ્યાને લેવાશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અત્યાર સુધી ધોરણ-12 સાયન્સમાં 3 વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવામાં આવતી હતી. જ્યારે ધોરણ-10માં બે વિષય અને ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં એક વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવાતી હતી. પરંતુ ગત પરીક્ષા એટલે કે માર્ચ-2024ની પરીક્ષાથી બોર્ડ દ્વારા તેમાં ફેરફાર કરાયો હતો. જે અનુસાર ધોરણ-12 સાયન્સમાં બેસ્ટ ઓફ ટુ મુજબ પરિણામ સુધારવાની તક આપવામાં આવી હતી. જેમાં ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે મુખ્ય પરીક્ષા બાદ પૂરક પરીક્ષામાં પણ તમામ વિષયની પરીક્ષા લેવામાં આવી હતી.મુખ્ય પરીક્ષા અને પૂરક પરીક્ષા પૈકી વિદ્યાર્થીએ જેમાં વધુ ગુણ મેળવ્યા હતા તે અનુસાર વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરાયું હતું. જ્યારે ધોરણ-10માં 3 વિષય અને ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 2 વિષયની પૂરક પરીક્ષાનું આયોજન કરાયું હતું. આ વખતે ફેબ્રુઆરીથી લેવાનારી મુખ્ય પરીક્ષા બાદ પૂરક પરીક્ષામાં પણ લેવાશે. આમ, બોર્ડને આગામી પરીક્ષા બે વખત યોજવી પડશે. મુખ્ય પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થી પણ પરિણામ સુધારવા માટે પૂરક પરીક્ષામાં ઉપસ્થિત રહી શકશે.