લખનૌઃ અલ્હાબાદ હાઈકોર્ટે મુખ્તાર અંસારી ગેંગને દેશની સૌથી ખૂંખાર ગેંગ ગણાવી હતી. હત્યાના કેસમાં મુખ્તાર ગેંગના સાગરિતની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે આ ટિપ્પણી કરી હતી. હાઈકોર્ટે હત્યાના આરોપી રામુ મલ્લાહને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. જસ્ટિસ દિનેશ કુમાર સિંહની બેંચ જામીન અરજી પર સુનાવણી કરી રહી હતી. હાઈકોર્ટે અવલોકન કર્યું કે, આવા ગુનેગારને જો જેલમાંથી બહાર આવવા દેવામાં આવે તો તે ચોક્કસપણે સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે. આવી સ્થિતિમાં, સાક્ષીઓનું મુક્ત, ન્યાયી અને સાચું નિવેદન શક્ય નથી.
મુખ્તાર ગેંગના સભ્ય રામુ મલ્લાહની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે અલ્હાબાદ હાઈકોર્ટે પણ રામુને અગાઉ આપવામાં આવેલા જામીન પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. કોર્ટે કહ્યું કે અગાઉ રામુને જામીન પર મુક્ત કર્યો હતો. ટ્રાયલ દરમિયાન રામુ માત્ર ફરાર સવાની સાથે ખોટુ સરનામું આપીને કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરાયો છે. એટલું જ નહીં ગ્રામ પ્રધાનનું બનાવટી પ્રમાણપત્ર પણ રજૂ કરવામાં આવ્યું હતું.
આરોપી રામુની જામીન અરજીને ફગાવી દેતાં કોર્ટે કહ્યું હતું કે ભયાનક ગુનેગારો કાં તો સાક્ષીઓને પોતાની બાજુમાં લાવે છે અથવા તેમને ખતમ કરી નાખે છે. કોર્ટે અવલોકન કર્યું કે મજબૂત, મુક્ત અને ન્યાયી ગુનાહિત ન્યાય પ્રણાલી માટે સાક્ષીઓનું મુક્ત, નિખાલસ અને નિર્ભય નિવેદન અત્યંત મહત્વપૂર્ણ છે. મુક્ત અને ન્યાયી ટ્રાયલ અને કાયદાના શાસનનું રક્ષણ ત્યારે જ શક્ય છે જ્યારે સાક્ષીઓને તેમના મુક્ત, નિખાલસ અને નિર્ભય નિવેદનો માટે સુરક્ષિત અને સમર્થન આપવામાં આવે.