Site icon Revoi.in

I.N.D.I.Aમાં ભંગાણના એંધાણઃ મમતા બાદ ‘આપ’એ કોંગ્રેસ સામે બાંયો ચડાવી

Social Share

નવી દિલ્હીઃ દેશમાં ચાલુ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈને ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન ભાજપાને સત્તાથી દૂર રાખવા માટે કોંગ્રેસની આગેવાનીમાં વિપક્ષી પક્ષો દ્વારા I.N.D.I.A ગઠબંધન બનાવાયું છે. જો કે, આ ગઠબંધનમાં ભંગાણના એંધાણ જોવા મળી રહ્યાં છે, મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં એકલા હાથે ચૂંટણી લડવાની તૈયારીઓ દર્શાવી છે. ત્યારે હવે પંજાબમાં પણ આમ આદમી પાર્ટીએ તમામ બેઠકો ઉપર પોતાના ઉમેદવારો ઉભા રાખવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આમ આમ આદમી પાર્ટી પણ પંજાબમાં કોંગ્રેસ સહિત ગઠબંધનની કોઈ પાર્ટીને કોઈ બેઠક ફાળવવા માંગતી નહીં હોવાનું રાજકીય વર્તુળમાં ચર્ચાઈ રહ્યું છે.

પંજાબના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માને જણાવ્યું હતું કે, પંજાબમાં આમ આદમી પાર્ટી તમામ 13 બેઠકો ઉપર જીતશે. આ નિવેદનનો એવો અર્થ નિકળાવામાં આવી રહ્યો છે કે, આમ આદમી પાર્ટી પંજાબમાં તમામ બેઠકો ઉપર એકલા હાથે ચૂંટણી લડશે. ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને પરાજય આપીને આમ આદમી પાર્ટીએ સત્તા હાંસલ કરી હતી. એટલું જ નહીં અગાઉ પણ ભગવંત માને કોંગ્રેસને લઈને વિવાદીત નિવેદન કર્યું હતું. એટલે કે, વિપક્ષી ગઠબંધનમાં બધુ બરાબર નહીં હોવાનું લાગી રહ્યું છે. I.N.D.I.Aમાં બેઠકોની ફાળવણીને લઈને ખેંચતાણ ચાલી રહી છે. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી સહિતની રાજકીય પક્ષો ગઠબંધનમાં પોતાની મરજી અનુસાર બેઠકોની માંગણી કરી રહ્યું છે. દરમિયાન કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી હાલ ભારત ન્યાય યાત્રા યોજી રહ્યાં છે. જેથી ઉત્તરભારતમાં કોંગ્રેસની સ્થિતિને વધારે મજબુત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.