Site icon Revoi.in

રાજકોટની મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાં કથિત ગાંજાના છોડને મામલે મચી બબાલ

Social Share

રાજકોટઃ  શહેરના મોરબી રોડ પર મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોવાની વાતો વહેતી થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ત્રણ સ્થળેથી સેમ્પલ લઈને એફએસએલમાં મોકલી આપ્યા હતા. હાલના તબક્કે પોલીસે મગનું નામ મરી પાડ્યું નથી. બીજી બાજુ કેમ્પસમાંથી માફક પદાર્થ મળ્યો હોવાની વાત પણ નકારી કાઢી હતી. કુવાડવા પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજીના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ એનડીપીએસનો કેસ હોવાથી હાલના તબક્કે કંઈ પણ કહેવું મુશ્કેલ છે. જો કે, કેટલીક શંકાસ્પદ બાબતો ઊડીને આંખે વળગે તેવી છે. તેથી કેમ્પસના ડસ્ટબિન, બાજુમાં આવેલું ખેતર સહિત ત્રણ સ્થળેથી સેમ્પલ લેવામાં આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  શહેરના  મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિ.ના કેમ્પસમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોવાની અફવા શરૂ થઈ હતી. આથી કુવાડવા પોલીસ મથકના પીઆઈ ઝાલા, ડીસીબીના પીઆઈ એલ.એલ. ચાવડા સહિતનો સ્ટાફ મારવાડી કેમ્પસ ધસી ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી તો કેમ્પસમાં આવેલા કેટલાક છોડ મૂળમાંથી ઊખેડી નાખવામાં આવ્યા હોય તેવું સ્પષ્ટ થયું હતું. એક ડસ્ટબિનમાં રાખ હતી. જ્યારે કેમ્પસને અડીને જ આવેલા અન્યની માલિકીના ખેતરમાં આગ લાગેલી હતી. પોલીસને એવી માહિતી મળી હતી કે, કેટલાક તત્ત્વોએ ખેતરમાં ગાંજાના છોડ નાખીને તે સળગાવ્યા આથી આખા ખેતરમાં આગ લાગી હતી. પોલીસે સાવધાની રાખીને ત્રણ સ્થળેથી સેમ્પલ લઈ રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહીનો નિર્ણય કર્યો છે. વિદ્યાર્થીઓમાં જ એવી ચર્ચા હતી કે, કેટલાક તત્ત્વોએ કેમ્પસમાંથી ગાંજાના છોડ બાજુના ખેતરમાં નાખી દઈ ત્યાં આગ ચાંપી દીધી હતી. દરમિયાન એનએસયુઆઈએ પણ યુનિ સામે દેખાવો કર્યા હતા. નાર્કોટિક્સનો કેસ હોવાથી પોલીસે કોઈ ઉતાવળ કરવાને બદલે જ્યાં ગાંજા છોડ નાખીને સળગાવી દેવાયાની શંકા વ્યક્ત કરાઈ છે તે કેમ્પસ, બાજુનું ખેતર અને એક ડસ્ટબિનમાંથી સેમ્પલ લઈ એફએસએલમાં મોકલ્યા છે. એનો રિપોર્ટ આવ્યા બાદ પગલાં લેવામાં આવશે.