Site icon Revoi.in

નમો રેપિડ ટ્રેન ફાળવી પણ ભૂજ-પાલનપુર ટ્રેન કાયમી બંધ કરી

Social Share

ભૂજઃ પશ્ચિમ રેલવે દ્વારા ભુજ-અમદાવાદ વચ્ચે દેશની પ્રથમ નમો ભારત રેપીડ રેલ શરૂ કરાતા કચ્છવાસીઓ હર્ષઘેલા થયા હતા. અને કચ્છને મોટો લાભ મળ્યાના ઘાણા ગાઈ રહ્યા હતા ત્યારે પશ્વિમ રેલવે દ્વારા ભુજ-પાલનપુર ટ્રેનનો  કાયમી ધોરણે રદ કરી દીધી છે. આમ એક ટ્રેનનો લાભ આપીને બીજી ટ્રેનની સુવિધા છીનવી લેવામાં આવી છે.

ભુજ-પાલનપુર ટ્રેનનો  કાયમી ધોરણે રદ કરતા પ્રવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે. કચ્છમાં સરકારી અને ખાનગી ક્ષેત્રની નોકરીમાં ઉત્તર ગુજરાતના નાગરિકો વધારે છે. જેથી વતન જવા માટે આ ટ્રેન ઉપયોગી રહે છે તેમજ રાજસ્થાન, દિલ્હી,આબુરોડ જવા માટે ભુજ-પાલનપુર ટ્રેન ઉપયોગી સાબિત થતી હતી.  જોકે આ ટ્રેન યેનકેન કારણે 1 વર્ષ બંધ રાખ્યા પછી હવે પશ્ચિમ રેલવે દ્વારા કાયમી ધોરણે બંધ કરવાનો ફેંસલો લીધો છે જેથી એક ટ્રેન આપવાની ખુશીમા બીજી છીનવી લેવાઈ છે જેથી પ્રવાસીવર્ગમાં કચવાટ જોવા મળે છે.

ભુજ-રાજકોટ ટ્રેનના પ્રસ્તાવિત રૂટ બાબતેના પરિપત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે,ટ્રેન નંબર 20927/20928 ભુજ-પાલનપુર અત્યાર સુધી 7 ઓક્ટોબર સુધી બંધ રહેવાની હતી પણ હવે તે કાયમી બંધ રહેશે.આ ટ્રેન ફરી શરૂ કરવામાં આવે અથવા ગાંધીધામ સુધી આવતી ઇન્ટરસિટીને ભુજ સુધી લંબાવવામાં આવે તે જરૂરી છે.  પ્રવાસીઓના કહેવા મુજબ ભુજથી આ ટ્રેનનો ઉપડવાનો સમય ખોટો હતો.સવારે 11.05 કલાકે ભુજથી ઉપડી સાંજે 17.35 કલાકે પાલનપુર પહોંચતી હતી. જેથી આખો દિવસ નીકળી જતો સવારે ટ્રેન દોડે તો ટ્રાફિક મળી રહે તેમ છે. રેલ્વે દ્વારા ભુજ-પાલનપુર અને ગાંધીધામ પાલનપુર એમ બે ટ્રેનનું સંચાલન કરવામાં આવતું જેમાં ભુજ-પાલનપુર ટ્રેન બંધ કરી દેવાઇ છે જ્યારે ગાંધીધામ-પાલનપુર ઇન્ટરસિટી નિયમિત ધોરણે કાર્યરત છે.ગાંધીધામથી આ ટ્રેન સવારે 8:10 કલાકે ઉપડી બપોરે 14.50 કલાકે પાલનપુર પહોંચાડી દે છે જેથી પ્રવાસીઓને અનુકૂળતા રહે છે.ગાંધીધામ સુધી પાલનપુરની ટ્રેન આવતી હોય તો તેને ભુજ સુધી લંબાવવામાં આવે તેવી માગ ઊઠી છે.